રાજ્યના ચકચારી GSTમાં બોગસ બિલ કૌભાંડ પ્રકરણનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો છે. જેમાં બોગસ બિલિંગ કૌંભાડ અંગે મહેશ લાંગાની પેઢીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટ પોલીસે બોગસ બિલિંગ કૌંભાડ મામલે 14 જેટલી પેઢીઓ પર એક સાથે દરોડા પાડી કામગીરી હાથ ધરી છે, જેમાં ભાવનગર, જામનગર, અમદાવાદ, વેરાવળ, કડી, મહેસાણા, ગાંધીનગર, શાપર, રાજકોટ શહેરમાં 4 સ્થળોનો સમાવેશ થાય છે. બોગસ પેઢી અને બોગસ બિલિંગના આધારે કરચોરી કરી સરકારને આર્થિક નુકશાન પહોંચાડનાર 5 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ ક્રાઇમ પ્રથરાજસિંહ ગોહિલએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, બોગસ પેઢી ઉભી કરી તેના આધારે બોગસ GST બિલો, ઈ-વે બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસઓન કરવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે.
આ માહિતી આધારે આર્થિક નિવારણ શાખા દ્વારા તપાસ કરી ખોટા ભાડા કરાર બનાવી તેનો દુરુપયોગ કરી અને ખોટી કંપનીઓ બનાવી પરમાર એન્ટરપ્રાઈઝ નામની કંપની દ્વારા અલગ-અલગ 14 કંપનીને બોગસ બિલો ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસઓન કરવા માટે આપેલા હતા. જયારે આ તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું કે, 3 કંપની ડી.એ. એન્ટરપ્રાઇઝ, આર્યન એસોસિએટ અને અર્હમ સ્ટીલ અગાઉ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલ કૌભાંડમાં સંડોવણી ખુલી હતી.
પરમાર એન્ટરપ્રાઇઝ તેમજ અન્ય 14 મળી કુલ 15 પેઢી સામે ફરિયાદ નોંધી કુલ 5 આરોપી અમન નાશીરભાઈ કારાણી, અમન રફીકભાઇ બિનહરીશ, સૈયદ ઉર્ફે કાળું સારી, વિશાલ પરમાર અને પાર્થ પરમારની ધરપકડ કરી આઇ.પી.સી.કલમ 465, 467, 468, 471, 474, 420, 120(બી) ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્યાર સુધીની તપાસમાં મુખ્ય જે ફરિયાદમાં છે, તે પરમાર એન્ટરપ્રાઇઝમાં 61 લાખથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારબાદ અલગ-અલગ કંપનીની તપાસ ચાલુ છે એટલે આ કૌભાંડમાં હજુ પણ આંક વધે એવી શક્યતા સેવાઈ રહી છે.