- ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા પવન હાલ લોકોને ધ્રુજાવી રહ્યા છે
- માઉન્ટ આબુમાં માઈનસ 3 ડિગ્રીમાં પણ પ્રવાસીઓ મોજ માણતા દેખાયા
ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં બરફ વર્ષા પડવાના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરીવળ્યું છે. ગુજરાતમાં દિવસેને દિવસે ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન ઠંડીનો પારો ગગડ્યો છે. રાજ્યમાં 8 ડિગ્રીથી 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં 6.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં જેમ જેમ શિયાળો આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડી જોર પકડી રહી છે. કાતિલ ઠંડીનું મોજું સમગ્ર ગુજરાત પર ફરી વળ્યું છે. રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકો ઠૂંઠવાયા છે.
છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નલિયામાં સૌથી ઓછું 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારબાદ ડીસામાં 9.6, ગાંધીનગરમાં 10.6, ભુજમાં 10.8, રાજકોટમાં 11, અમદાવાદમાં 13.7, પોરબંદરમાં 14.6, ભાવનગરમાં 15.5 અને વડોદરામાં 16.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. કચ્છમાં પડી રહેલી કડકડતી ઠંડીના કારણે લોકો દિવસે પણ તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.
ગુજરાતની સાથે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. માઉન્ટ આબુ પર તાપમાનનો પારો માઈનસ 3 ડિગ્રી થતા ઠેર ઠેર બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. ક્રિસમસ વેકેશનની મજા માણવા આવેલા પ્રવાસીઓ માઈનસ તાપમાનમાં પણ વાતાવરણની મોજ માણતા જોવા મળી રહ્યા છે.
શહેર | મહત્તમ તાપમાન | લઘુત્તમ તાપમાન |
અમદાવાદ | 25.4 | 13.7 |
સુરત | 31.7 | 18.2 |
રાજકોટ | 27.4 | 11.0 |
વડોદરા | 27.8 | 16.2 |
ગાંધીનર | 26.0 | 10.6 |
ભાવનગર | 26.7 | 15.5 |
ભુજ | 25.7 | 10.8 |
નલિયા | 26.0 | 6.5 |
ડીસા | 26.2 | 9.6 |
અમરેલી | 27.6 | 14.5 |