નવી દિલ્હી: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાનું પદ છોડવા જઈ રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે જસ્ટિન ટ્રુડો આજે રાજીનામું આપી શકે છે. લિબરલ પાર્ટીમાં વધી રહેલા આતંરિક વિખવાદ અને સભ્યો દ્વારા તેમના પર દબાણ કરવામાં આવતા ટ્રુડોએ આ મોટો નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.
લિબરલ પાર્ટીમાં અસંતોષ અને આતંરિક વિખવાદ વધી રહ્યો છે. આ મામલે લિબરલ પાર્ટીની આંતરિક બાબતોની જાણકારી ધરાવતા ત્રણ પ્રમુખ સૂત્રોનો હવાલો આપતા કહેવામાં આવ્યું છે કે, ટ્રુડો તેમના રાજીનામાની જાહેરાત કરી શકે છે. નેશનલ કોકસની બુધવારે યોજાનાર બેઠકર પહેલાં ટ્રુડો લિબરલ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપી દે તેવી શક્યતા છે. નેશનલ કોક્સની બેઠકમાં ટ્રુડોએ વિદ્રોહનો સામનો કરવો પડી શકે છે. આવામાં ટ્રુડોને લાગ્યું કે તેમણે કોક્સની બેઠક પહેલા રાજીનામા અંગે નિવેદન બહાર પાડવું જોઈએ જેથી કરીને એવું ન લાગે કે તેમને તેમની જ પાર્ટીના સાંસદોએ હાંકી કાઢ્યા.
જસ્ટિન ટ્રુડો 2015માં પહેલીવાર ચૂંટણી જીતીને કેનેડામાં સત્તા પર આવ્યા હતા. ત્યારબાદ તેમણે 2019 અને 2021માં પણ લિબરલ પાર્ટીને જીત અપાવી હતી. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં ઓપિનિયન પોલ્સ અનુસાર ટ્રુડો તેમના મુખ્ય હરીફ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોઈલીવરથી 20 પોઈન્ટ પાછળ છે. આ ઘટાડો તેમની રાજકીય પકડમાં મોટી નબળાઈ દર્શાવે છે.
તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ તેમના પર દબાણ ઘણું વધી ગયું હતું. ટ્રમ્પ સતત તેમના પર નિશાન સાધતા હતા. ઇલોન મસ્કે પણ ટ્રમ્પની જીત બાદ તરત જ કહ્યું હતું કે હવે ટ્રુડો માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
લિબરલ પાર્ટીના સભ્યોનું માનવું છે કે હવે જસ્ટિન ટ્રુડોના નેતૃત્વમાં પાર્ટી માટે આગામી ચૂંટણી જીતવી મુશ્કેલ છે. પાર્ટીની અંદર તેમની સામે નારાજગી વધી રહી છે અને આ નારાજગીનું પરિણામ એ છે કે સાંસદોએ તેમનો ખુલ્લેઆમ વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. થોડા સમય પહેલા તેમને હટાવવા માટે ‘સિગ્નેચર કેમ્પેઈન’ પણ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન ટ્રુડોને ઘણા મુશ્કેલ સવાલો પૂછવામાં આવ્યા છે. જેના કારણે તેમના પર રાજીનામું આપવાનું દબાણ થઈ રહ્યું છે.