અમરેલી: અમરેલીના ચર્ચિત લેટરકાંડ કેસમાં આરોપી પાટીદાર યુવતી પાયલ ગોટીને અંતે જામીન મળી ગયા છે, હવે પાયલ ગોટી જેલમુક્ત થઈ ગઈ છે. જેનાથી કોર્ટ પરિસરમાં હાજર પાટીદાર સમાજના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. જેલ બહાર આવતાની સાથે જ પાયલે કહ્યું,’સત્યમેવ જયતે’.
જેલની બહાર આવતા જ ભાવુક દ્રશ્યો સર્જાયા
પાયલ ગોટી જેલમાંથી બહાર આવતા જ રડી પડી હતી. આ દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પાયલના માતા-પિતાની આખો ભીની થઈ. પાયલ પરિવારજનોને ભેટી પડી હતી. પાયલને જિલ્લા સેસન્શ કોર્ટે 15 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે.
આ વચ્ચે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે કહ્યું કે, ‘આપ સૌના માધ્યમ, સોશિયલ મીડિયાના માધ્યમથી જે સપોર્ટ મળ્યો છે, તેના માટે ગુજરાતની પ્રજાનો આભાર માનું છું. આપ સૌએ સરકાર પર દબાણ ઉભું કર્યું. પાયલને જામીન મળી ચૂક્યા છે.’
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર મામલાની ઘટના એમ છે કે, તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો એક બોગસ લેટરપેડ સોશિયલ મીડિયા પર ફરતો થયો. આ બાબતે કાનપરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે ભાજપના એક પૂર્વ હોદ્દેદાર સહિત ચાર લોકોની ધરપકડ કરી. જો કે, વિવાદ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે પોલીસે આ કેસમાં સંડોવાયેલી અને ટાઈપિસ્ટ તરીકે કામ કરતી પાટીદાર યુવતીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, જેના કારણે ભારે ઉગ્ર વિરોધ થયો હતો.