ગુજરાતમાં નકલીઓની ભરમાર: નકલી MLA બની છેતરપિંડી કરતો મહાઠગ ઝડપાયો

ભરૂચ: ગુજરાતમાં નકલીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. રાજ્યમાં નકલી સીએમઓ, નકલી કચેરીઓ, નકલી કિન્નરો, નકલી પીએમઓ, નકલી ટોલનાકુ, નકલી સીઆઇડી, નકલી જજ, નકલી કોર્ટ, નકલી ડોક્ટર, નકલી અધિકારીઓ બાદ હવે નકલી ધારાસભ્ય પણ ઝડપાયો છે. ભરૂચ જિલ્લા ભાજપના મહિલા આગેવાનને બદનામ કરનાર મહાઠગને ભરુચ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયો છે.

મોટી-મોટી ડંફાસો મારીને મહિલાઓને પોતાના વશમાં કરતો હતો

નકલી ધારાસભ્ય અને મહાઠગ ચિંતન પટેલ ભાજપના નેતાઓ સાથે ફોટો પડાવીને ફેસબુક પર MLA લખીને પોતે બહુ મોટો બિઝનેસમેન હોય તેવી મોટી-મોટી ડંફાસો મારીને મહિલાઓને પોતાના વશમાં કરતો હતો. ગુજરાતમાં હવે કોઇપણ હોદ્દા નકલીમાં બાકી નથી રહ્યા. માત્ર એક નકલી ધારાસભ્ય બાકી રહ્યા હતા ત્યારે હવે તે પણ સામે આવી ગયા છે. MLA ચિંતન પટેલ તરીકેની ઓળખ આપી સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરીને તેણે મહિલાઓને ઠગી હતી. વડોદરામાં કેટલાય સમયથી આશ્રય મેળવનાર ચિંતન વડોદરાના અનેક ગુનાઓમાં વોન્ટેડ હોવા છતાં હાથ નહોતો લાગી રહ્યો.
આ મહાઠગ લોકોને પોતાની વાતોમાં ફસાવવા માટે ભાજપના નેતાઓ સાથે ફોટા પડાવી રૂપિયાના બંડલો અને સોનાના બિસ્કિટોના ફોટા ફેસબુક પર અપલોડ કરતો હતો.

મહિલા અગ્રણીને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું

કેટલાય લોકો સાથે છેતરપિંડી કરનાર ચિંતન પટેલ સામે માત્ર ભરુચ જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુનાઓ દાખલ થયા છે. છઠ્ઠા એડિશનલ જજ અને જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસની કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ 70 મુજબ ચિંતન પ્રભુદાસ પટેલનું વોરંટ ઇશ્યૂ કર્યા બાદ ભરુચ પોલીસે વડોદરાથી તેને ઝડપી પાડયો છે. ચિંતન પટેલે ભૂતકાળમાં ભાજપના મહિલા આગેવાન સાથેના મોર્ફ કરેલા ફોટો વાયરલ કરી મહિલા અગ્રણીને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેની વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ચિંતન પટેલનો લાંબો ગુનાહિત ભૂતકાળ છે. ચિંતને ભૂતકાળમાં અનેક મહિલાઓને પોતાની જાળમાં ફસાવીને પૈસા પડાવવા ઉપરાંત વિઝા આપવાના બહાને અનેક લોકો સાથે ઠગાઇ કરી છે.વિદેશમાં પોતાની સોનાની ખાણ હોવાની ડંફાસો મારતી ફેસબુક પર પોસ્ટ મુકતો હતો.

રૂપિયાના બંડલો ફેસબુક પર પોસ્ટ કરતો

આ મહાઠગ રૂપિયાના બંડલો ફેસબુક પર પોસ્ટ કરી તે દાનમાં આપતો હોવાની ભ્રામક પોસ્ટ કરીને પોતાના જાંસામાં ફસાવતો હતો. ચિંતન પોતાની છાપ ઉભી કરવા માટે ભાજપના મોટા નેતાઓ સાથે ફોટા પડાવતો હતો. તે પોતાની ઓળખ શ્રી રામ સેનાના અધ્યક્ષ તરીકે આપતો હતો. વડોદરામાં પણ તેની સામે અનેક ગુના દાખલ થયા છે. ભરુચ સાયબર ક્રાઇમ પોલીસે તેને પકડી પાડતા હવે પૂછતાછમાં આગામી દિવસોમાં તેના વધુ કારનામા બહાર આવે તેવી શકયતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!