અમદાવાદ: અમદાવાદના ઓઢવ રીંગ રોડ પર આવેલા ટેન્કર સર્વિસના ગોડાઉન પર સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. SMCના અધિકારીઓએ દરોડા પાડીને કેમિકલ ચોરી કરીને બારોબાર વેચાણ કરવાના કૌભાંડને ઝડપી પાડ્યું હતું અને ટેન્કર સર્વિસના માલિક સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા હતા. આ દરમિયાન 45 લાખનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો હતો. ભાવનગરથી ટેન્કરમાં કોસ્ટીક સોડાનો જથ્થો લઈને અમદાવાદ સપ્લાય કરવામાં આવે તે પહેલા તેને ગોડાઉનમાં લાવીને કેમિકલની ચોરી કરવામાં આવતી હતી. SMCના અધિકારીઓને બાતમી મળતા દરોડા પાડી સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે.
ટેન્કર સર્વિસના માલિક સહિત ચારની ધરપકડ
SMCના ડીવાયએસપી કે ટી કામરિયાને બાતમી મળી હતી કે, ઓઢવ એસ પી રીંગ રોડ પામ હોટલ પાસે આવેલા એક ટેન્કર સર્વિસના ગોડાઉનમાં કેમિકલ ભરેલા ટેન્કર લાવીને તેમાંથી સીલ તોડીને તેમાંથી ચોરી કરીને બારોબાર વેચાણ કરવામાં આવે છે.
આ બાતમીના આધારે ટેન્કર સર્વિસના ગોડાઉન પર રાતના સમયે દરોડા પાડયા હતા. જ્યારે SMCની ટીમ દરોડા પાડવા પહોંચી ત્યારે એક ટેન્કરમાંથી કેમિકલ અન્ય કેરબામાં ભરવામાં આવી રહ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે ટેન્કર સર્વિસના માલિક સુખદેવસિંહ મહાર, ટેન્કરના ડ્રાઇવર અજય ચોરસિયા, કેમિકલને કાઢવાની કામગીરી કરતા મહેન્દ્રસિંહ ભદોરિયા અને સુભમ દુબેને ઝડપી પાડ્યા હતા.
કેમિકલ કાઢ્યા બાદ તેમાં પાણી ઉમેરતા હતા
પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ભાવનગરથી કોસ્ટિક સોડાનો જથ્થો લઇને અમદાવાદ આવ્યા બાદ ટેન્કરને ધર્માજી ટેક્ષટાઇલ નારોલ મોકલવાનું હતું. પરંતુ ત્યાં કેમિકલ સપ્લાય કરતા પહેલા તેને ગોડાઉન પર લાવીને સીલ તોડીને તેમાંથી 5 મેટ્રીક ટન કોસ્ટિક સોડાનો જથ્થો કાઢીને તેની સામે ટેન્કરમાં પાણી ઉમેરવાનું હતું.
છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું આ કૌભાંડ
સુખદેવસિંહ મહાર આ કૌભાંડ છેલ્લાં ઘણા સમયથી ચલાવી રહ્યો હતો. આ કેમિકલનો જથ્થો જીગ્નેશ પટેલ નામના વ્યક્તિને પ્રતિ લીટર રૂપિયા 15ના ભાવે વેચાણ આપવાનું નક્કી કરાયું હતું.
45 લાખનો મુદ્દામાલ જપ્ત
આ સમગ્ર કૌભાંડમાં પોલીસે ત્રણ ટેન્કર, કાર અને કેમિકલ સહિત કુલ 45 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.