ભારત વિરોધી કેનેડાના PM જસ્ટિન ટ્રૂડોએ પદ પરથી રાજીનામું આપ્યું

નવી દિલ્હી: પોતાના ભારત વિરોધી વલણ માટે પ્રખ્યાત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 9 વર્ષના શાસન બાદ રાજીનામું આપી દીધું છે. પાર્ટીમાં આંતરિક અસંતોષ અને લોકપ્રિયતામાં ઘટાડાને કારણે ટ્રુડોએ રાજીનામું આપવું પડ્યું છે. ટ્રુડો 2015થી કેનેડાના વડા પ્રધાન હતા. આ સાથે લિબરલ પાર્ટીમાં નવા નેતાની શોધ પણ શરૂ થઈ ગઈ છે. ટ્રુડોના રાજીનામાથી આ વર્ષે કેનેડામાં ચૂંટણીનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. અગાઉ ટ્રુડોએ રાજીનામું આપવાનો ઈનકાર કરી દીધો હતો પરંતુ ત્યારબાદ તેમની પાર્ટીએ તેમને પદ પરથી હટાવવાની કાર્યવાહી શરૂ કરવાની ધમકી આપી હતી.

કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા થયા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અવારનવાર ભારત પર ગંભીર આરોપ કરતા રહ્યા છે, ત્યારે હવે તેમણે આ આક્ષેપો અને ટીકા કરવી ભારે પડી હોય તેવું દેખાઈ રહ્યું છે. ટ્રુડોએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાની સરકાર અને વ્યક્તિગત આલોચના વચ્ચે આ મોટો નિર્ણય લીધો છે.

ટ્રુડોએ રાજીનામું આપવાનું એલાન કર્યું

દેશને કરેલા સંબોધનમાં ટ્રુડોએ રાજીનામું આપવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, મેં મારી પાર્ટીના અધ્યક્ષને નવા નેતાની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરવા કહ્યું છે. સંસદનું કામ 24 માર્ચ સુધી સ્થગીત રહેશે અને ત્યાં સુધી હું કાર્યકારી વડાપ્રધાન તરીકે કામગીરી કરીશ. જ્યાં સુધી નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી હું કેનેડાના કાર્યકારી વડાપ્રધાન તરીકે કામગીરી સંભાળતો રહીશ.

2015માં પહેલીવાર ચૂંટણી જીતીને કેનેડામાં સત્તા પર આવ્યા હતા

જસ્ટિન ટ્રુડો 2015માં પહેલીવાર ચૂંટણી જીતીને કેનેડામાં સત્તા પર આવ્યા હતા. ત્યારબાદ તેમણે 2019 અને 2021માં પણ લિબરલ પાર્ટીને જીત અપાવી હતી. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં ઓપિનિયન પોલ્સ અનુસાર ટ્રુડો તેમના મુખ્ય હરીફ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોઈલીવરથી 20 પોઈન્ટ પાછળ છે. આ ઘટાડો તેમની રાજકીય પકડમાં મોટી નબળાઈ દર્શાવે છે.

તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ તેમના પર દબાણ ઘણું વધી ગયું હતું. ટ્રમ્પ સતત તેમના પર નિશાન સાધતા હતા. ઇલોન મસ્કે પણ ટ્રમ્પની જીત બાદ તરત જ કહ્યું હતું કે હવે ટ્રુડો માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

જસ્ટિન ટ્રુડોના નેતૃત્વમાં પાર્ટી માટે આગામી ચૂંટણી જીતવી મુશ્કેલ

લિબરલ પાર્ટીના સભ્યોનું માનવું છે કે હવે જસ્ટિન ટ્રુડોના નેતૃત્વમાં પાર્ટી માટે આગામી ચૂંટણી જીતવી મુશ્કેલ છે. પાર્ટીની અંદર તેમની સામે નારાજગી વધી રહી છે અને આ નારાજગીનું પરિણામ એ છે કે સાંસદોએ તેમનો ખુલ્લેઆમ વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. થોડા સમય પહેલા તેમને હટાવવા માટે ‘સિગ્નેચર કેમ્પેઈન’ પણ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન ટ્રુડોને ઘણા મુશ્કેલ સવાલો પૂછવામાં આવ્યા છે. જેના કારણે તેમના પર રાજીનામું આપવાનું દબાણ થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!