સમય પર અપડેટ આપતા રહો: ચીનમાં ફેલાઈ રહેલા HMPV વાયરસને લઈને ભારતે WHO સમક્ષ કરી માગ

નવી દિલ્હી: 2019ના અંતમાં ચીનમાં અચાનક શ્વાસની બીમારીથી પીડિત લોકોથી હોસ્પિટલો ભરાઈ ગઈ હતી. થોડાક જ મહિનામાં આ બીમારીએ સમગ્ર વિશ્વને તેના ભરડામાં લઈ લીધું હતું. જેને પાછળથી કોરોના મહામારી નામ અપાયું હતું. પાંચ વર્ષ પછી ફરી એક વખત ચીનમાં હ્યુમન મેટાન્યૂમોવાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આ બીમારીથી પીડિત લોકોથી ચીનની હોસ્પિટલો ઉભરાઈ રહી છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને પગલે ફરી એક વખત દુનિયામાં ભારે ગભરાટ ફેલાયો છે. ત્યારે હવે ચીનમાં શ્વાસ સંબંધી રોગોના સતત વધી રહેલા કેસોએ ભારતની ચિંતા વધારી છે. કોરોના બાદ હવે ચીનમાં ઉદ્દભવેલી આ બીમારીને લઈને ભારત પહેલા કરતા વધારે સતર્ક છે. ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થાને ચીનની સ્થિતિ અંગે સમય પર અપડેટ આપવા માટે કહ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે શનિવારે આરોગ્ય સેવાઓના ડીજીની અધ્યક્ષતામાં એક જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં ચીનની તાજેતરની સ્થિતિને સમજવા અને તેની સામે તૈયારી કરવાની જરૂરિયાત પર ચર્ચા કરવામાં આવી હતી.
એક્સપર્ટની બેઠક બોલાવાઈ
– આ બેઠકમાં વિશ્વ આરોગ્ય સંસ્થા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઈન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને એઈમ્સ સહિત અનેક મોટી હોસ્પિટલોના એક્સપર્ટ સામેલ થયા હતા.

– નિષ્ણાતો એ વાત પર સંમત થયા છે કે વર્તમાન ફ્લૂની સિઝનને ધ્યાનમાં રાખીને શ્વસનની બિમારીના કેસોમાં ઝડપી વધારો અસામાન્ય નથી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આનું કારણ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ, આરએસવી અને એચએમપીવી હોઈ શકે છે, જે આ સિઝનમાં ઝડપથી ફેલાઈ છે.
ચીનની સ્થિતિ પર સરકારની નજર
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ભારત સહિત સમગ્ર વિશ્વમાં આવા વાઈરલ ઈન્ફેક્શન હાલમાં ફેલાઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, સરકાર તમામ માધ્યમથી સ્થિતિ પર નજર રાખી રહી છે અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને ચીનની સ્થિતિ અંગે સમયસર માહિતી આપવા માટે વિનંતી કરી છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં ચીનની હોસ્પિટલોના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ચીનમાં HMPVના કારણે અચાનક ફેલાતા ચેપને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.

આરોગ્ય સેવાના ડીજી અતુલ ગોયલે કહ્યું કે, ‘એવા અહેવાલો છે કે, ચીનમાં HMPVના અચાનક ફેલાવાથી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આ મામલો ગંભીર ગણાવવામાં આવી રહ્યો છે. HMPV એ સામાન્ય શ્વસન વાયરસ છે જે શરદી જેવા લક્ષણોનું કારણ બને છે. કેટલાક લોકો ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં ફ્લૂ જેવા લક્ષણો દેખાય છે. પરંતુ આ સ્થિતિ ગંભીર નથી અને ચિંતા કરવા જેવું કંઈ નથી. અમારી હોસ્પિટલો આવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અમારી પાસે પૂરતા પ્રમાણમાં બેડ અને ઓક્સિજનનો પુરવઠો છે. તેમણે એમ પણ કહ્યું કે, દેશમાં સ્વાસ્થ્ય સંબંધિત સંક્રમણના કેસોમાં કોઈ ખાસ વધારો નથી નોંધાયો.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!