ભોપાલ ગેસ કાંડના ઝેરી કચરા મુદ્દે હોબાળો, પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ

ભોપાલ: 40 વર્ષ પહેલા બનેલી ગેસ દુર્ઘટનાના ઝેરી કચરાને બાળવાની પ્રક્રિયા હવે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં શરૂ થઈ રહી છે. આ કચરાને બાળવા માટે ધારના પીથમપુરા લઈ જવામાં આવી રહ્યો છે. જો કે મધ્યપ્રદેશમાં તેનો ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાંથી આ ઝેરી કચરાને ધારના પીથમપુરામાં ટ્રાન્સફર કરવાનો જનતા વિરોધ કરી રહી છે.

આ વિરોધે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. શુક્રવાર સવારથી જ પીથમપુરમાં બજારો બંધ છે. આ વિરોધમાં બંધને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. નાની-નાની દુકાનોથી માંડી મોટા વેપાર-ધંધાઓ બંધ પાળી રહ્યા છે. બીજી તરફ આ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને હટાવવા માટે મધ્યપ્રદેશ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

ભોપાલની કાર્બાઇડ ફેક્ટરીમાં ગેસ દુર્ઘટના અત્યાર સુધીની સૌથી ભયાનક દુર્ઘટનાઓમાંની એક છે. 2-3 ડિસેમ્બર 1984ની રાત્રે બનેલી આ ગોઝારી દુર્ઘટનામાં 5 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે ઘણા વધુ લોકો માનસિક અને શારીરિક રીતે વિકલાંગ બન્યા હતા. હવે 40 વર્ષ બાદ સરકાર અને વહીવટી તંત્રએ ફેક્ટરીના ઝેરી કચરાનો ખાત્મો કરવાનો નિર્ણય લીધો છે અને ધારના પીથમપુરામાં આ કચરાને બાળવાનું નક્કી કર્યું છે.

CM મોહન યાદવનું નિવેદન આવ્યું

બીજી તરફ લોકો માગ કરી રહ્યા છે કે, પીથમપુરામાં આ ઝેરી કચરાને બાળવામાં ન આવે કારણ કે તેમને ડર છે કે, તેનાથી પર્યાવરણ અને પ્રાણીઓ પર સીધી નકારાત્મક અસર પડશે. આ દરમિયાન મુખ્યમંત્રી ડો.મોહન યાદવનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું કે, ‘આ મુદ્દા પર રાજનીતિ ન થવી જોઈએ.’

કચરામાં 60% માટી

સીએમ મોહન યાદવે કહ્યું કે, ભોપાલ ગેસ દુર્ઘટનાના કચરામાં 60% માટી અને 40 ટકા નેપથોલ છે. તેનો ઉપયોગ જંતુનાશક મિથાઈલ આઈસોસાયનેટ (MIC) બનાવવા માટે થાય છે. તે બિલકુલ હાનિકારક નથી. બીજી તરફ વૈજ્ઞાનિકોનો દાવો છે કે કચરામાં હાજર ઝેર 25 વર્ષ સુધી રહે છે અને હવે આ દુર્ઘટનાને 40 વર્ષ વીતી ગયા છે. આવી સ્થિતિમાં આ કચરો હવે લોકો માટે નુકસાનકારક નથી.

કચરો સીલબંધ કન્ટેનરમાં લાવવામાં આવ્યો

નોંધનીય છે કે, ભોપાલ ગેસ દુર્ઘટનાના ઝેરી કચરાને સીલબંધ કન્ટેનરમાં રાખીને ‘ગ્રીન કોરિડોર’ બનાવીને ધાર સુધી લાવવામાં આવ્યો છે. આ કચરો 12 કન્ટેનરમાં ભરવામાં આવ્યો હતો, જે 250 કિલોમીટરનું અંતર કાપીને ધાર પહોંચ્યો હતો. અહીંના પીથમપુરા ઇન્ડસ્ટ્રીયલ એરિયાના વેસ્ટ ડિપોઝીટ યુનિટમાં કચરો રાખવામાં આવ્યો છે. આ યુનિટની આસપાસ મોટી માત્રામાં પોલીસ ફોર્સ પણ તહેનાત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!