આખું વર્ષ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું: મણિપુર હિંસા માટે CM બિરેન સિંહે રાજ્યની જનતાની માગી માફી

મણિપુર: 2024 ગણતરીના કલાકોમાં પુરુ થઈ રહ્યું છે અને લોકો નવા વર્ષનું સ્વાગત કરવા માટે તૈયાર છે. પરંતુ 2024માં દેશમાં કેટલીક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ પણ ઘટી છે. તેમાંથી એક છે મણિપુર હિંસા. મણિપુરમાં ગત વર્ષે મે મહિનાથી જાતીય હિંસા ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો સ્થળાંતરિત પણ થયા છે. ત્યારે હવે મણિપુર હિંસા માટે સીએમ બિરેન સિંહે માફી માગી છે. તેમણે વર્ષ 2024ને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘હું 3 મેથી લઈને આજ સુધી જે કંઈ પણ થયું તેના માટે રાજ્યના લોકો પાસે માફી માગુ છું.’

આખું વર્ષ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું

તેમણે કહ્યું કે, ‘આ આખું વર્ષ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું છે. મને એ વાતનું દુ:ખ છે અને ગત 3 મેથી આજ સુધી જે કંઈ પણ થયું તેના માટે રાજ્યની જનતાની માફી માગવા માગુ છું. ઘણા લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘણા લોકોએ પોતાના ઘર છોડી દીધા છે. મને ખરેખર પસ્તાવો છે. હું માફી માગવા માગુ છું. છેલ્લા 3-4 મહિનાની પ્રગતિ જોઈને હું આશા રાખું છું કે નવા વર્ષ 2025થી રાજ્યમાં સામાન્ય સ્થિતિ અને શાંતિ સ્થાપશે. હું રાજ્યના તમામ સમુદાયોને અપીલ કરવા માગુ છું કે જે થવાનું હતું એ થઈ ગયું. આપણે હવે ભૂતકાળની ભૂલોને ભૂલીને એક નવા જીવનની શરૂઆત કરવાની છે. એક શાંતિપૂર્ણ મણિપુર, એક સમૃદ્ધ મણિપુર માટે આપણે બધાએ એક સાથે રહેવું જોઈએ.

જાતીય હિંસામાં અત્યાર સુધીમાં કુલ 200 લોકોના મોત

સીએમ એન બિરેન સિંહે જણાવ્યું કે, આ જાતીય હિંસામાં અત્યાર સુધીમાં કુલ 200 લોકોના મોત થઈ ગયા છે અને લગભગ 12,247 FIR નોંધવામાં આવી છે અને 625 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વિસ્ફોટકો સહિત લગભગ 5,600 હથિયારો અને લગભગ 35,000 દારૂગોળો રિકવર કર્યો છે. કેન્દ્ર સરકારે વિસ્થાપિત પરિવારોને મદદ કરવા માટે સુરક્ષા કર્મચારીઓ અને પર્યાપ્ત ફંડ પૂરું પાડ્યું છે. વિસ્થાપિત વ્યક્તિઓ માટે નવા મકાનો બાંધવા માટે પણ પર્યાપ્ત ફંડ પુરુ પાડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!