નવી દિલ્હી: પંજાબ-હરિયાણાની શંભુ અને ખનૌરી બોર્ડર પર પાકની MSPની કાયદેસર ગેરંટી સહિતની પોતાની માગણીઓ માટે ખેડૂતોએ આજે પંજાબ બંધનું એલાન કર્યું છે. પંજાબના ખેડૂતોએ ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલના સમર્થનમાં આજે બંધનું એલાન કર્યું છે. પંજાબ આજે આખો દિવસ બંધ રહેશે. આ બંધ સવારે 7:00 વાગ્યાથી સાંજના 4:00 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન પંજાબમાં રેલવે સેવાઓને અસર થશે. આ બંધને અનેક ખેડૂત સંગઠનોનું સંપૂર્ણ સમર્થન છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભારતીય રેલવેએ વંદે ભારત ટ્રેન સહિત કુલ 167 ટ્રેનોને રદ કરી દીધી છે. પંજાબ બંધ દરમિયાન દિલ્હી ચંદીગઢ રૂટ પરની બસ સેવાઓ પણ પ્રભાવિત થશે.
એક ખેડૂત નેતાએ કહ્યું કે પંજાબ બંધ દરમિયાન ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત કોઈપણ લગ્ન સમારોહમાં જનાર વ્યક્તિ અને પરિવારને રોકવામાં નહીં આવશે. તેમજ એરપોર્ટ પર જનારા લોકોને પણ હેરાનગતિ નહીં થાય. પંજાબમાં શિયાળાની રજાઓને કારણે શાળાઓ પહેલેથી જ બંધ છે. હડતાળના કારણે પંજાબ યુનિવર્સિટીએ સોમવારના બદલે મંગળવારે પરીક્ષાઓ લેવાનો નિર્ણય કર્યો છે. બસ સેવાઓ સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા કહેવામાં આવ્યું છે કે સોમવારે સાંજે 4:00 વાગ્યા પછી સેવાઓ ફરી શરૂ કરી દેવામાં આવશે. ખનૌરીમાં ખેડૂત નેતાઓએ કહ્યું કે, અમે ગાંધીવાદી રીતે પોતાનો વિરોધ ચાલુ રાખીશું. હવે તે સરકાર પર નિર્ભર છે કે તે તેમના વરિષ્ઠ નેતા દલ્લેવાલને હટાવવા માટે બળનો ઉપયોગ કરવા માગે છે કે નહીં.
શું છે ખેડૂતોની માગ?
ખેડૂત નેતાઓ પાકની MSPથી લઈને પોતાની કુલ 13 માગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કિસાન મઝદૂર મોરચા (KMM) અને સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ બિન-રાજકીય)એ આ બંધનું એલાન કર્યું છે. તેમનું કહેવું છે કે સરકાર જીદ પર અડી ગઈ છે અને ખેડૂતોની વાજબી માગણીઓનો પણ સ્વીકાર નથી કરી રહી. પંજાબ સરકારના અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય ટીમ રવિવારે ખનૌરી બોર્ડર પોઈન્ટ પર દલ્લેવાલ સાથે મુલાકાત કરી હતી. આ ટીમમાં ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ મનદીપ સિંહ સિદ્ધુ અને રિટાયર્ડ એડિશનલ ડીજીપી જસકરણ સિંહ પણ સામેલ હતા. બાદમાં ખેડૂત નેતાઓએ કહ્યું કે દલ્લેવાલે કોઈપણ પ્રકારની તબીબી મદદ લેવાનો ઈનકાર કરી દીધો છે.