ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાત લેન્ડિંગ પોઈન્ટ! છેલ્લા પાંચ વર્ષમાં 70 હજાર કરોડનું ઝડપાયું ડ્રગ્સ

ગુજરાત: ગુજરાતના દરિયાકાંઠેથી સતત કરોડો અને અબજો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. હવે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠેથી અને બંદરો પરથી અંદાજે 70 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. સાથે 100થી વધુ વિદેશી નાગરિકોની ધરપકડ કરાઈ છે. આ ડ્રગ્સ ધીમે-ધીમે હવે ગુજરાત ડ્રગ્સના કાળા કારોબારનું હબ બની રહ્યું છે. ગુજરાત ડ્રગ્સ માફિયાઓ માટે લેન્ડિંગ પોઈન્ટ બની ગયું છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈરાન જેવા દેશોના ડ્રગ્સ સપ્લાયરો આરામથી ગુજરાતના અંતરિયાળ બંદરો સુધી સલામત રીતે પહોંચી જાય છે. આ વિદેશી નાગરિકોમાં પાકિસ્તાન અને ઈરાનના નાગરિકો સામેલ છે. આ વર્ષના જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં માત્ર કચ્છ પોલીસે જ 113.56 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે અને 61 ડ્રગ્સ માફિયા તથા ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે.

કચ્છમાંથી પોલીસે 113.56 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે

જાન્યુઆરીથી નવેમ્બર 2024 દરમિયાન પૂર્વ અને પશ્ચિમ કચ્છમાંથી પોલીસે 113.56 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. કચ્છ પોલીસ ચીફ ચિરાગ કોરડિયાએ જણાવ્યું કે, કચ્છના સરહદ વિસ્તાર અને દરિયાઈ સીમા તરફ જતા અને આવતા શંકાસ્પદ માણસોની તપાસ અને સર્વેલન્સ પણ ચાલી રહ્યું છે તેથી છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ માફિયા મોટા પ્રમાણમાં ઝડપાઈ રહ્યા છે.

નાર્કોટિક્સના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 2020માં 5,956 કરોડ રૂપિયા અને 20,000 કરોડ રૂપિયાનો ડ્રગ્સના બે મોટા જથ્થા ઝડપાયા હતા. 2021માં 21,000 કરોડ રૂપિયાનું અને 3 હજાર રૂપિયાનું એમ 2 ડ્રગ્સની બે મોટી ખેપ ઝડપાઈ હતી.  2022માં એક સાથે 2000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યાર બાદ ત્રણ અલગ-અલગ દરોડામાં તબક્કાવાર 500 કરોડ, 700 કરોડ અને 1 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું.

2023માં 5000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું

વર્ષ 2023માં 5000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. જ્યારે વર્ષ 2024ની શરૂઆતમાં જ DRI અને ATSની ટીમે કલકત્તાના એક પોર્ટ પરથી ગુજરાતમાં લવાતું 200 કરોડ રૂપિયાથી વધારેનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ત્યારબાદ કોસ્ટગાર્ડની મદદથી ATS અને NCBની ટીમે 700 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. અંકલેશ્વરની ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી 5000 કરોડનું કોકેન પણ જપ્ત કર્યું હતું.

ગુજરાતના બંદરો ડ્રગ માફિયાઓનાં હોટ ફેવરીટ બની ગયાં છે

ગુજરાત હવે ડ્રગ્સના કાળા કારોબારનું હબ બની રહ્યું છે. રાજ્યમાં નશાના કારોબારના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. ડ્રગ્સની હેરાફેરી, ડ્રગ્સનું છૂટક વેચાણ કરનારા ડ્રગ્સ પેડલરો સમાજમાં લોકોની વચ્ચે રહી પોતાના અંગત સ્વાર્થ માટે યુવાધનને નશાના રવાડે ચઢાવી રહ્યા છે. ગુજરાતમાં કંડલા, મુન્દ્રા, પીપાવાવ ગાંધીધામ, પોરબંદર વગેરે બંદરો ડ્રગ માફિયાઓનાં હોટ ફેવરીટ બની ગયાં છે. ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના પોર્ટ અને દરિયાકિનારાને ડ્રગ્સની હેરાફેરીનું સેન્ટર બનાવી દીધું છે. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવતા ડ્રગ્સને ગુજરાતની દરિયાઈ સીમામાંથી ઘૂસાડવામાં આવે છે અને પછી દેશમાં અન્ય ઠેકાણે આ ડ્રગ્સની ડીલીવરી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!