સરકારે લોક સભામાં રજૂ કર્યું ‘વન નેશન, વન ઈલેક્શન’ બિલ, વિપક્ષનો આક્રમક વિરોધ, જાણો કોને શું કહ્યું…

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં ‘એક દેશ, એક ચૂંટણી’ સંબંધિત બિલ આજે રજૂ કર્યું છે. આ બિલને ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024′ નામ આપવામાં આવ્યું છે. આ બિલ રજૂ કર્યા બાદ સરકાર તેને સંસદની સંયુક્ત સમિતિ (JPC)ને મોકલવાની ભલામણ કરવા જઈ રહી છે. ભાજપે પોતાના સાંસદો માટે વ્હીપ જાહેર કર્યુ હતું. આ બિલનો વિરોધ પક્ષે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસે આજે સવારે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. વિપક્ષ ‘એક દેશ, એક ચૂંટણી’ નો સતત વિરોધ કરી રહ્યો છે. હાલમાં લોકસભામાં આજની કાર્યવાહી ખૂબ જ હોબાળાથી ચાલી રહી છે.

આ બિલ બંધારણ બદલવાનું બ્યૂગલઃ મનીષ તિવારી, કોંગ્રેસ સાંસદ
કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે, આ બિલ બંધારણની વિરુદ્ધ છે. તે બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ છે. અમે આ બિલનો વિરોધ કરીએ છીએ. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, બંધારણ બદલવાનું આ બિલ બ્યૂગલ છે. સપા સાંસદ રામ ગોપાલ યાદવે કહ્યું કે, અમે આ બિલનો વિરોધ કરીશું. આ બિલ બંધારણની વિરુદ્ધ છે.

એક દેશ એક ચૂંટણી તાનાશાહી તરફનું એક પગલુંઃ ટીએમસી
ટીએમસી સાંસદે કહ્યું કે બિલ બંધારણના મૂળ ઢાંચાની વિરુદ્ધ છે. એક દેશ એક ચૂંટણી તાનાશાહી તરફનું એક પગલું છે. એક દેશ એક ચૂંટણીની જરૂર નથી. આ ચૂંટણી પ્રક્રિયામાં સુધારાનું બિલ નથી. કોઇ દળ સત્તામાં હંમેશા ન રહી શકે.

આ બિલ સંઘીય માળખાની વિરુદ્ધઃ ધર્મેન્દ્ર યાદવ, સપા સાંસદ
બિલના વિરોધમાં સપાના સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું કે હું આ બિલનો વિરોધ કરું છું. 2 દિવસ પહેલા અમે બંધારણ પર ચર્ચા કરી રહ્યા હતા અને 2 દિવસની અંદર જ બંધારણ પર હુમલો થઈ રહ્યો છે. આ બિલ સંઘીય માળખાની વિરુદ્ધ છે. જેઓ એકસાથે 8 વિધાનસભાઓ યોજી શકતા નથી, તેઓ એક દેશ, એક ચૂંટણીની વાત કરે છે. આ બિલ દલિત વિરોધી, પછાત વિરોધી, મુસ્લિમ વિરોધી છે. હું આ બિલનો વિરોધ કરું છું.

બંધારણને નષ્ટ કરવાનું બીજું ષડયંત્રઃ અખિલેશ યાદવ
અખિલેશ યાદવે કહ્યું, ‘લોકશાહી સંદર્ભમાં માત્ર એક જ શબ્દ અલોકતાંત્રિક છે. લોકશાહી બહુમતીની તરફેણ કરે છે. એક વ્યક્તિની બીજા પ્રત્યેની લાગણીઓ માટે કોઈ જગ્યા નથી, જે સામાજિક સહિષ્ણુતાના ઉલ્લંઘન તરફ દોરી જાય છે. વ્યક્તિગત સ્તરે, એક થવાનો ભાવ અહંકારને જન્મ આપે છે અને સત્તાને સરમુખત્યાર બનાવે છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે વિરોધની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘બંધારણને નષ્ટ કરવાનું બીજું ષડયંત્ર છે.’

વિપક્ષે સમર્થન આપવુ જોઇએ: ગિરિરાજસિંહ
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલ પર સમગ્ર વિપક્ષ એક સાથે હોવા જોઈએ, તેથી તે સાથે હોવું જોઈએ કારણ કે આ નવું બિલ નથી. 1966 સુધી અમે ‘વન નેશન-વન ઇલેક્શન’માં ભાગ લેતા હતા કોંગ્રેસે શપથ લીધા છે કે તે પીએમ નરેન્દ્ર મોદીની દરેક પહેલનો વિરોધ કરશે. તેથી કશું કહી શકાય નહીં. આ ‘વન નેશન-વન ઈલેક્શન’ દેશના વિકાસ માટે છે અને જો સમગ્ર જનતા ઈચ્છતી હોય તો વિપક્ષે તેને સમર્થન આપવું જોઈએ અને સર્વસંમતિથી પાસ કરવું જોઈએ.

શું છે એક દેશ, એક ચૂંટણી
‘એક દેશ, એક ચૂંટણી’ એટલે આખા દેશમાં એકસાથે એક જ દિવસે (અથવા ટૂંકી અવધિમાં) તમામ પ્રકારની ચૂંટણીઓ યોજવી. ભારતના સંદર્ભમાં જોઈએ તો લોકસભાની ચૂંટણીની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવાની હોય. સાથોસાથ સ્થાનિક સંસ્થાઓ એટલે કે નગરનિગમ (મ્યુનિસિપલ કૉર્પોરેશન), નગરપાલિકા, નગર પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ થઈ જવી જોઈએ. તમામ ચૂંટણીઓ એક જ દિવસે અથવા અમુક દિવસોની નિશ્ચિત સમયમર્યાદામાં થઈ જાય એ સિસ્ટમને કહેવાય ‘એક દેશ, એક ચૂંટણી’ એટલે કે ‘વન નેશન-વન ઈલેક્શન’.

PM મોદીએ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની હિમાયત કરી હતી
દેશમાં છાશવારે ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ થતી જ રહે છે. વારંવારની ચૂંટણીઓ વિકાસને અવરોધે છે. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી સાથે જ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાનો આગ્રહ કરી રહ્યા છે. વડાપ્રધાને આ વર્ષે 15મી ઑગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન લાલ કિલ્લા પરથી આપેલ ભાષણમાં પણ ‘વન નેશન-વન ઈલેક્શન’ની હિમાયત કરી હતી. તેમણે દેશના તમામ રાજકીય પક્ષોને દેશની પ્રગતિ માટે આ દિશામાં આગળ વધવાનો અનુરોધ કર્યો હતો.

‘એક દેશ, એક ચૂંટણી’ના ફાયદા
1. ખર્ચમાં ઘટાડો : ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’નો સૌથી મોટો ફાયદો એ છે કે એનાથી ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે. અલગ-અલગ ચૂંટણીઓ કરાવવા માટે દર વખતે મોટી રકમ ખર્ચવામાં આવે છે. એક સમયે આખા દેશમાં ચૂંટણીઓ પતી જાય તો ખર્ચ પણ એક જ સમયે કરવાનો થાય.

2. તંત્રનો બોજ ઘટશે : વારંવારની ચૂંટણી પ્રશાસન અને સુરક્ષા દળો પર બોજ નાખે છે, કારણ કે તેમને દરેક વખતે ચૂંટણી ફરજ બજાવવાની હોય છે. ચૂંટણી કર્મચારીઓના રહેવા-ખાવાની, એમના આવાગમનની ઝંઝટ પણ એક વારમાં જ પતી જશે.

3. વિકાસના કામો પર ધ્યાન અપાશે : એકીસાથે ચૂંટણી પૂરી થઈ જાય તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. પક્ષો વારંવાર ચૂંટણી મોડમાં નહીં જાય અને વિકાસના કામો પર ધ્યાન આપી શકશે.

4. મતદારોની સંખ્યા વધ: એક જ દિવસે ચૂંટણી યોજવાથી મતદારોની સંખ્યામાં પણ વધારો થશે, કારણ કે તેમને એવું નહીં લાગે કે ચૂંટણી તો વારેવારે આવતી જ રહે છે, આ નહીં તો આગામી ચૂંટણીમાં મત આપીશું. પાંચ વર્ષે એક જ વખત મત આપવાની તક મળતાં મતદારો એને એળે નહીં જવા દે અને તેમના પ્રતિનિધિઓને ચૂંટવામાં રસ દાખવશે.

‘એક દેશ, એક ચૂંટણી’ સામેના પડકાર
1. બંધારણીય ફેરફાર જરૂરી: ‘વન નેશન-વન ઈલેક્શન સિસ્ટમ’ લાગુ કરવામાં સૌથી મોટો પડકાર બંધારણ અને કાયદામાં ફેરફારનો છે. બંધારણમાં સુધારો કર્યા પછી તેને રાજ્યની એસેમ્બલીઓમાં ‘પાસ’ કરાવવો પડશે.

2. સરકાર ભંગ થઈ તો શું?: જો કોઈપણ કારણોસર લોકસભા કે પછી કોઈ રાજ્યની વિધાનસભા ભંગ કરી દેવામાં આવે તો પછી ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ વ્યવસ્થા કેવી રીતે જાળવવી? એક રાજ્યની સરકાર બરતરફ થાય એટલે તમામ રાજ્યોની સરકારો રદ કરીને ફરી આખા દેશમાં ચૂંટણીઓ તો ન યોજી શકાય ને?

3. સંસાધનોની કમી: આપણા દેશમાં EVM અને VVPAT દ્વારા ચૂંટણી યોજવામાં આવે છે, જેની સંખ્યા મર્યાદિત છે. હાલમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ યોજાતી હોવાથી જે સંસાધનો છે એટલામાં પહોંચી વળાય છે, પણ જો આખા દેશમાં એકીસાથે તમામ પ્રકારની ચૂંટણીઓ યોજાય તો ચૂંટણી માટે જરૂરી સંસાધનો ક્યાંથી લાવવા? વહીવટી અધિકારીઓ અને સુરક્ષા કર્મીઓની કમી પણ સર્જાય, એનું શું કરવું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!