ગાંધીનગર: ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. નવું વર્ષ 2025ની શરૂઆત પહેલા જ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો વધારો કર્યો છે. આ સાથે 5 મહિનાનું એરિયર્સ પણ મળશે. જે અંગે નાણાં વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ કર્મચારીઓના પાંચ મહિનાના પગારનો તફાવત ડિસેમ્બરના પગાર સાથે જાન્યુઆરી મહિનામાં ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારની આ જાહેરાતનો લાભ લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મળશે.
સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું
રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે જે કર્મચારીઓ ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-2009 હેઠળના પગારધોરણ પ્રમાણે પગાર મેળવે છે તેવા કર્મચારીઓ અને પેન્શનરોના ભથ્થામાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. છઠ્ઠા પગારપંચ હસ્તકના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું છે. રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર મેળવતા કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થાના માસિક દરમાં 1 જુલાઈ 2024થી વધારો કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે કર્મચારીઓના કિસ્સામાં ડિસેમ્બર-2024 માસથી 246 ટકા મુજબનું મોંઘવારી ભથ્થુ માસિક પગાર સાથે નિયમિત રીતે સુચિત મોંઘવારી ભથ્થાના જુલાઈ-2024થી નવેમ્બર 2024 માસ સુધીનું કુલ પાંચ મહિનાના તફાવતની રકમ ડિસેમ્બર મહિનાના પગાર સાથે (પેઈડ ઈન જાન્યુઆરી-2025) ચૂકવવાની રહેશે.
આ પહેલા સાતમા પગાર પંચના કર્મચારીઓનો પગાર વધ્યો હતો
તમને જણાવી દઈએ કે, આ પહેલા 4 ડિસેમ્બરના રોજ રાજ્ય સરકારે સાતમા પગાર પંચના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો હતો. જેમાં રાજ્યસેવાના અને પંચાયત સેવા, શિક્ષકો તેમજ સહાયકો, રાજ્ય સરકાર હસ્તકના પ્રોવીડન્ડ ફંડ ખાતાના કર્મચારીઓ સહિત સાતમા પગાર પંચના લાભાર્થી દરેક કર્મચારીઓ મળી કુલ 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને આ લાભ મળશે. આ જાહેરાત અંતર્ગત મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. કર્મચારીઓ-પેન્શનર્સને પગાર પર કુલ 50 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હતું. જેમાં વધારા સાથે ત્રણ ટકા વધારો મળતા તે 53 ટકા થશે.