અમદાવાદ: ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી સમયે દર્દીઓના મોત અને એન્જિયોગ્રાફી કરવાના કેસમાં છેલ્લા એક મહિનાથી ફરાર હોસ્પિટલની ડિરેક્ટર રાજશ્રી કોઠારીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરી હતી. ત્યારબાદ હવે રાજશ્રી કોઠારીને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાઈ હતી. જેમાં કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી કાર્તિક પટેલ હજુ ફરાર છે, જે વિદેશમાં હોવાની માહિતી મળી રહી છે.
લોકોને ડરાવી-ધમકાવીને ઓપરેશન કરાવામાં આવતા હતા
આ કેસમાં સરકારી વકીલે કોર્ટમાં મોટા ખુલાસા કર્યા છે. સરકારી વકીલે કહ્યું કે, લોકોને ડરાવી-ધમકાવીને ઓપરેશન કરાવામાં આવતા હતા. દર્દીઓને 90% બ્લોકેજ હોવાનું કહીને ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરાતા હતા. દર્દીઓ ના પાડે તો કહેતા કે તમારે ક્યાં રૂપિયા આપવાના છે, સરકાર આપશે એમ કહી ઓપરેશન કરાવતા હતા. જો 2 લોકોના મોત ન થયા હોત તો આ સમગ્ર મામલો બહાર ન આવ્યો હોત.
કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર રાજશ્રી કોઠારી સમગ્ર કાંડ સામે આવ્યા બાદથી ફરાર હતી. ત્યારે 32 દિવસ બાદ તેની રાજસ્થાનથી ધરપકડ કરાઈ હતી. આજે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચે 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે રાજશ્રી કોઠારીના 25 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે રાજશ્રી કોઠારીના આગોતરા જામીન રદ કર્યા હતા.
PMJAY યોજનાનો દુરુપયોગ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ખ્યાતિ મલ્ટીસ્પેશયાલિસ્ટ હોસ્પિટલ સાથે જોડાયેલા આરોપીઓએ PMJAY યોજનાનો દુરુપયોગ કરી આર્થિક લાભ મેળવવા માટે દર્દીઓને ખોટા દબાણમાં લાવીને તેની સર્જરી કરી છે. નોંધનીય છે કે, હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પના નામે 19 વ્યક્તિઓને અમદાવાદ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બસમાં લાવવામાં આવ્યા હતા. જેમાં 7 દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તેમાંથી બે દર્દીઓના મોત થઈ ગયા હતા. 2 દર્દીના મોત બાદ તેમના પરિવારજનો દ્વારા હોબાળો કરાયા બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ છે. માત્ર આર્થિક ફાયદા માટે દર્દીને 40% બ્લોકેજ હોય તેને 80% રિપોર્ટમાં દર્શાવીને બાયપાસ માટે પ્રેશર કરવામાં આવતું હોવાની હકીકતો સામે આવી છે.