ભારતે ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઈનકાર કર્યા બાદ ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ‘હાઇબ્રિડ મોડલ’ને મંજૂરી આપી દીધી છે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. હવે ભારતની તમામ મેચો દુબઈમાં રમાશે, જ્યારે બાકીની મેચો પાકિસ્તાનમાં રમાશે. આ ઉપરાંત કથિત રીતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે, પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2026ની લીગ-સ્ટેજ મેચો માટે ભારતનો પ્રવાસ નહીં કરશે.
ICCએ ચેમ્પિયન ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલ પર લગાવી મહોર
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આજે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે હાઇબ્રિડ મોડલ પર મહોર લગાવી દીધી છે. આ ટુર્નામેન્ટ મૂળરૂપે સંપૂર્ણપણે પાકિસ્તાનમાં યોજાવાની હતી, પરંતુ હવે ભારતની મેચ દુબઈમાં યોજાશે.
પાકિસ્તાન T20 વર્લ્ડકપ 2026માં લીગ મેચો માટે ભારતનો પ્રવાસ નહીં કરે
BCCI અને PCB બંને વચ્ચે સૈદ્ધાંતિક રીતે એ બાબત પર સમજૂતી થઇ છે કે, પાકિસ્તાન T20 વર્લ્ડકપ 2026માં લીગ મેચો માટે ભારતનો પ્રવાસ નહીં કરે. પાકિસ્તાન આ મેચ કોલંબોમાં રમશે. હાઇબ્રિડ મોડલ પર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાને કારણે PCBને કોઈ વળતર નહીં મળે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICC પાસે માગ કરી હતી કે, જો ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જવાનો ઈનકાર કરે તો તેને વળતર આપવામાં આવશે. ICCએ વળતરની માગને પણ ફગાવી દીધી છે.
લીગ સ્ટેજમાં ભારતની ત્રણેય મેચ દુબઈમાં રમાશે
પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની 10 મેચોની યજમાની કરશે. લીગ સ્ટેજમાં ભારતની ત્રણેય મેચ દુબઈમાં રમાશે. ભારતની લીગ મેચો ઉપરાંત ટુર્નામેન્ટની સેમિફાઈનલ અને ફાઈનલ મેચ પણ દુબઈમાં યોજાશે. જો ટીમ ઈન્ડિયા નોકઆઉટ સ્ટેજ પહેલા જ બહાર થઈ જશે તો સેમીફાઈનલ અને ફાઈનલ લાહોર અને રાવલપિંડીમાં યોજાશે.