સુરત: છેલ્લા ઘણા સમયથી એરપોર્ટ, ફ્લાઈટ સહિત અનેક મોટા સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. ત્યારે હવે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મુકવાની વાતને લઈને પોલીસ દોડતી થઈ ગઈ હતી. બે યુવકો સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મુકવાની વાત કરતા હોવાની એક કોલર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે મોટો પોલીસનો કાફલો એરપોર્ટ પર ધસી આવ્યો હતો. આ ધમકીના પગલે પોલીસ દ્વારા ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, સઘન ચેકિંગ બાદ આ ધમકી અફવા હોવાનું સામે આવ્યું છે.
સુરત એરપોર્ટના સીઆઈએસએફ સહિતનો સ્ટાફ પણ ચેકિંગમાં જોડાયો
બે યુવકો બારડોલી રેલવે સ્ટેશન પર સુરત એરપોર્ટ પર બોમ્બ મુકવાની વાત કરતા હતા. એક કોલર દ્વારા આ અંગે સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પર બોમ્બ મુકવાની વાતને ગંભીરતાથી લઈન સુરત શહેરની એસઓજી, પિસિબી, ડીસીબી સહિતનો કાફલો સુરત એરપોર્ટ પર પહોંચી ગયો હતો. આ સાથે જ સુરત એરપોર્ટના સીઆઈએસએફ સહિતનો સ્ટાફ પણ ચેકિંગમાં જોડાયો હતો.
કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી
ધમકી બાદ એરપોર્ટ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ નહોતી મળી.