ગુજરાતના ગૌરવ સમાન ગાયક અને પ્રસિદ્ધ સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની વયે નિધન

મુંબઈ: ગુજરાતના ગૌરવ સમાન ગાયક અને જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની વયે નિધન થઈ ગયું છે. તેમણે મુંબઈ ખાતે પોતાના નિવાસ્થાને અંતિમ શ્વાસ લીધા છે. પુરુષોત્તમ ઉપાધ્યાય એ દુનિયાને અલવિદા કહી દેતા લાખો સંગીત રસિકોમાં શોકની લાગણી ફરી વળી છે. તેમને પદ્મશ્રી પણ એનાયત કરવામાં હતો. ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
સૂર સમ્રાટ આ વરિષ્ઠ કલાકારે 30 ફિલ્મો તથા 30થી વધુ નાટકોમાં પોતાનું સંગીત આપ્યું છે. તેમણે સંગીતબદ્ધ કરેલા ગુજરાતી ગીતો ભારતના સીમાડા વટાવી વિશ્વના ખૂણે-ખૂણે વસેલા ગુજરાતીઓના હ્રદય સુધી પહોંચ્યા છે.

સંગીતમાં કરિયર બનાવવા માટે મુંબઈ જતા રહ્યા
15 ઓગસ્ટ, 1934માં ખેડાના ઉત્તરસંડામાં જન્મેલા પુરુષોત્તમ ઉપાધ્યાયને નાનપણથી જ સંગીત સાંભળવાનો અને ગાવાનો ખૂબ શોખ હતો. સ્કૂલ સમયે સંગીતમાં તેમને અનેક અવૉર્ડ્સ મળ્યા હતા. તેમને ભણવા કરતાં સંગીતમાં વધુ રસ હતો એટલે પરિવારમાં કોઈને કહ્યા વગર તેઓ સંગીતમાં કરિયર બનાવવા માટે મુંબઈ જતા રહ્યા હતા. જોકે, ત્યાં તેમને એટલું પ્રોત્સાહન ના મળતા વતન પરત ફર્યા હતા. જોગાનુજોગ ગુજરાતી રંગમંચના એક્ટર અશરફખાનની હાજરીમાં નૂરજહાંએ ગાયેલું એક ગીત ગાવાની તક મળી અને આ ક્ષણ તેમના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો.

ગઝલ-ગાયનમાં પણ પુરૂષોત્તમ ઉપાધ્યાય ખ્યાતિ ધરાવતા હતા
ગુજરાતી સંગીત ઉપરાંત ગઝલ-ગાયનમાં પણ પુરૂષોત્તમ ઉપાધ્યાય ખ્યાતિ ધરાવતા હતા. બોલિવૂડના જાણીતા સંગીતકાર કલ્યાણજી–આણંદજી સાથે પણ તેમણે મ્યૂઝિક આપ્યુ હતું. બેગમ અખ્તર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર જેવાં ઉચ્ચ કોટીના ગાયકો પાસે પુરૂષોત્તમ ઉપાધ્યાયે પોતે સ્વરાંકન કરેલાં ગુજરાતી ગીતો ગવડાવ્યાં છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!