BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 30 દેશોમાંથી એક લાખ કાર્યકરો આવશે

પૂ. મહંત સ્વામી 1 લાખ કાર્યકરોનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સન્માન કરશે

કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS દ્વારા આગામી 7મી ડિસેમ્બરને શનિવારે મોટેરા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવમાં ભારત ઉપરાંત દુનિયાના 30 દેશોમાંથી 1 લાખ કાર્યકરો ખાસ ઉપસ્થિત રહેશે અને તેમનું મહંત સ્વામી સન્માન કરશે. 1 ડિસેમ્બરથી કાર્યક્રમ માટેની તૈયારીઓમાં BAPS સંસ્થાનાં સંતો અને સ્વયંસેવકો જોડાયા છે. તેને લઇને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે BAPS દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.

સંસ્થાના જણાવ્યા અનુસાર આગામી 7 ડિસેમ્બરે BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરશે. જેમાં 1 લાખથી વધુ BAPS સ્વામિનારાયણ કાર્યકર ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

આ કાર્યકરોની નિઃસ્વાર્થ સેવાઓને બિરદાવવા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં જાન્યુઆરી 2024માં સુરત ખાતે ગૌરવવંતા ‘બી.એ.પી.એસ. કાર્યકર સુવર્ણ મહોત્સવ’ પર્વનો મંગલ આરંભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવના ઉપક્રમે સંસ્થાના અનેકવિધ કેન્દ્રોમાં મે તથા જૂન મહિના દરમિયાન સંયુક્ત-યુવા-બાળ-મહિલા-યુવતી-બાલિકા પ્રવૃત્તિના કાર્યકરોને નવાજતા અનેક કાર્યકર અભિવાદન સમારોહ યોજાયા હતા.

ઐતિહાસિક કાર્યકર સુવર્ણ મહોત્સવ અંગેની માહિતી આપતા BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ પૂ.બ્રહ્યવિહારીદાસજીએ જણાવ્યું હતું કે, સંસ્થા અને સમાજ માટે કાર્યકરો કરોડરજ્જુ સમાન છે. તેમના થકી જ તમામ કાર્યક્રમ સફળ થઇ રહ્યા છે માટે તેમનું અભિવાદન કરીને સંતો ગૌરવ અનુભવશે. આ કાર્યક્રમમાં માત્ર એવા જ કાર્યકરો ઉપસ્થિત રહેશે કે જેઓ સંસ્થાના રજિસ્ટર્ડ કાર્યકરો છે અને તેમની પાસે કોઇ પદભાર કે જવાબદારી છે.

આ કાર્યકરોએ માત્ર ઉત્સવ કે શુભ પ્રસંગ જ નહીં પણ દેશ કે વિદેશમાં આવેલી મોટી આપત્તિમાં રાત-દિવસ જોયા વિના સેવા આપી છે. જેથી તેમની આ સેવાને સન્માનવાનો આ એક અસાધારણ અવસર છે. જેની ઉજવણી સૌથી આધુનિક ટેકનોલાજીની મદદથી થશે. જેમાં દરેક કાર્યકરોને એલઇડી સ્ટીક આપવામાં આવી છે. આ સ્ટીકની મદદથી તમામ સ્ટેડિયમમાં અલગ અલગ થીમથી પર્ફોમન્સ કરશે.

કાર્યક્રમમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ 1800 લાઇટસ, 30 પ્રોજેક્ટર, 2000થી વધુ સ્વયંસેવકો પર્ફોમ કરશે. સૌ પ્રથમવાર સ્ટેડિયમના ગ્રાઉન્ડને ડિજિટલ સ્ક્રીનમાં ફેરવી દેવાશે. જે ટેકનોલોજીનો ભારતમાં સૌ પ્રથમવાર ઉપયોગ થશે તેમજ સ્ટેડિયમમાં સાયકલોન ઇફેક્ટ અને આકાશમાં વિવિધ ટેકનલોજીની મદદથી ફ્રૂટની પ્રતિકૃતિ પણ તૈયાર થશે. આ દરેક એક્ટ એક હકારાત્મક મેસેજ સાથે તૈયાર કરાયા છે.

એક લાખ કાર્યકરો પૈકી 90 હજાર કાર્યકરોની રહેવા સહિતની વ્યવસ્થા તેમણે જાતે જ ગોઠવી છે. હવે બાકીના 10 હજાર કાર્યકરોના ઉત્તારા માટે મોટેરા, ચાંદખેડા અને આસપાસના વિસ્તારમાં બિલ્ડરો અને માલિકોએ તેમના ફ્લેટ અને મકાન સ્વૈચ્છાએ ફાળવી આપ્યા હતા. આ વાત જ બતાવે છે કે, અમદાવાદીઓનું હૃદય વિશાળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!