કચ્છ જિલ્લામાંથી એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કચ્છના નાના રણ વિસ્તારમાં વેણુ બેટ પાસે અકસ્માતના પગલે ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના 2 લોકોના કરુણ મોત થયા હતા, જ્યારે બાકીના પરિવારના 7 સભ્યો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. રણ વિસ્તારમાં ઓછી વિઝીબિલિટીને લીધે અને ધૂળની ડમરીઓના લીધે આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, નાના રણમાંથી વેણુ બેટ નજીક એક પરિવાર પોતાની ગાડીમાં સવાર થઈને પસાર થઈ રહ્યો હતો. તેવામાં વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. અચાનક જ ભારે ધૂળની ડમરીઓ ઉડવા લાગતા રસ્તા પર વિઝિબિલિટી એકદમ ઓછી થઈ ગઈ હતી.
પરિણામે ગાડી ચલાવનાર ડ્રાઈવરને ઓછું દેખાતા તેને સ્ટેયરિંગ પરથી એકાએક કાબૂ ગુમાવી દીધો હતો. વાહન અચાનક જ પલ્ટી જતા ગાડીમાં સવાર લોકો બૂમાબૂમ કરી નાખી હતી.
દુર્ઘટનાને પગલે ગાડી અંદર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત નજરે જોનારા લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. તેમણે ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલે ખસેડયા છે.
આ દુર્ઘટનામાં એક જ પરિવારના 2 લોકોના કરુણ મોત થયા. જ્યારે બાકીના ઇજાગ્રસ્ત 7 લોકોને સારવાર હેઠળ ખસેડાયા છે, સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.