અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે એકના ત્રણ ચાર ગણા કરી આપવાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરવાના કિસ્સાઓ એકપછી એક બહાર આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પણ તંત્ર વિદ્યાથી એકના ત્રણ-ચાર ગણા કરી આપવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ભૂવાની ધરપકડ કરવામાં આવી છે. અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ભૂવાના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ આરોપીને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાશે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સરખેજ પોલીસ મથકે મૂળ વઢવાણ અને હાલ અમદાવાદના વેજલપુરમાં રહેતા નવલસિંહ ચાવડા નામના ભૂવા સામે BNS ની કલમ 318(1), 318(2), 55, 62 તેમજ ચાલુ વર્ષે અમલમાં આવેલ ગુજરાત માનવ બલિદાન અને અમાનુશી, અનિષ્ટ, અઘોરી પ્રથા અને કાળા જાદુ નિર્મૂલન મુલ અધિનિયમની કલમ 3(3) મુજબ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી સાણંદના એક વેપારી છે. જેને ભૂવાએ ત્રણથી ચાર ગણા પૈસા બનાવી આપવાની લાલચ આપીને, પૈસા લઈને બોલાવ્યો હતો.
તેનું કાવતરું હતું કે પૈસા લઈને શરાબ અથવા પાણીના ગ્લાસમાં સફેદ કલરનું સોડિયમ નાઇટ્રેટ ભેળવીને તેને પીવડાવી દેવામાં આવે. જેથી જ્યારે તે પૈસા આપીને નીકળે ત્યારે થોડીવાર બાદ તેનું મૃત્યુ થઈ જાય. જો કે ફરિયાદી બચી જતા તેને સરખેજ પોલીસ મથકે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપી બીજાને અંધશ્રદ્ધામાં નાખી પૈસા બનાવવાનું વિચારતો, જ્યારે દીકરાને ક્રિકેટની ટ્રેનિંગ આપતો. ફરિયાદી પાસે ફોન રેકોર્ડિંગ સહિતના તમામ પુરાવા આવી ચૂક્યા છે. આરોપી યુ ટ્યુબ ઉપર મોજે મસાણી નામની ચેનલ ચલાવતો હતો.
પોલીસે આરોપીને અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજુ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પોલીસે રિમાન્ડ માંગતા મુદ્દા ઉપસ્થિત કર્યા હતા કે આરોપી તાંત્રિક વિધિ નું જાણકાર છે યુ ટ્યુબ ઉપર તેની ચેનલમાં તાંત્રિક વિધિ કરતાં વિડિયો છે. શું આરોપીએ અગાઉ કોઈ વ્યક્તિ સાથે આવું કાવતરું આચર્યું છે ? શું આરોપીએ નર બલી આપી છે ? ફરિયાદીની ફરિયાદ મુજબ સમગ્ર ઘટનાનું આરોપીને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવાનું છે. આરોપી સોડિયમ નાઇટ્રેટ પાવડર ક્યાંથી લાવ્યો તેની તપાસ કરવાની છે. આરોપીની સાથે અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ કરવાની છે. કોર્ટે આરોપીના 07 દિવસના રિમાન્ડ આપ્યા હતા.