હરપાલપુર: ઝાંસીથી પ્રયાગરાજ જઈ રહેલી ટ્રેન પર મધ્યપ્રદેશના હરપાલપુરમાં હુમલો કરવામાં આવ્યો છે. અસામાજિક તત્વોએ ટ્રેન પર પથ્થરમારો જ નહીં પરંતુ તેમાં તોડફોડ પણ કરી હતી. આ ટ્રેન મહાકુંભ માટે જઈ રહી હતી. તમને જણાવી દઈએ કે, આવતીકાલે મૌની અમાવસ્યાના કારણે વિવિધ સ્થળોએથી લાખો શ્રદ્દાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે.
અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના રાત્રે લગભગ 1:00 વાગ્યે ઝાંસી ડિવિઝનના હરપાલપુર સ્ટેશન પર બની હતી. અહીં ટોળાએ અચાનક ટ્રેન પર હુમલો કર્યો જેના કારણે ટ્રેનની અંદર બેઠેલા મુસાફરોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. હુમલાના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ભીડમાંથી લોકો ટ્રેનના ડબ્બા પર પથ્થરમારો કરી રહ્યા છે. હરપાલપુર રેલવે સ્ટેશને મોટી સંખ્યામાં મુસાફરો પ્રયાગરાજ જવા માટે એકઠા થયા હતાં. પરંતુ ટ્રેનની અંદર પહેલાંથી હાજર મુસાફરો દ્વારા ટ્રેનનો દરવાજો ખોલવામાં નહતો આવતો. જેના કારણે સ્ટેશન પર હાજર ભીડે ઉગ્ર બની પથ્થરમારો અને તોડફોડ શરૂ કરી દીધી હતી. પથ્થરમારા અને તોડફોડથી મુસાફરોમાં બૂમાબૂમ થઈ ગઈ હતી. મુસાફરોના જણાવ્યાં અનુસાર, અચાનક સ્ટેશનમાં હાજર ભીડે પથ્થરમારો અને હુમલો કરી દીધો હતો. ટ્રેનની અંદર મહિલાઓ અને બાળકો પણ હાજર હતાં, જે મહાકુંભમાં સ્નાન માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતાં. ટ્રેન પર પથ્થરમારો અને તોડફોડ કરી રહેલાં લોકોએ મોઢા પર કપડું બાંધેલું હતું.
તપાસના આદેશ આપ્યા
આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો અને ઘણી ટ્રેનો લેટ થઈ હતી. છતરપુર સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વાલ્મિક ચૌબેએ જણાવ્યું કે, છતરપુર રેલવે સ્ટેશન પર ફાટક ન ખોલવાને કારણે રાત્રે લગભગ 1:00 વાગ્યે કેટલાક લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો અને તોડફોડ કરી હતી. સૂચના મળ્યા બાદ અમે ઘટનાસ્થળે પહોંચ્યા, ટ્રેન છતરપુરથી પ્રયાગરાજ કુંભ જઈ રહી હતી. બધા આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. બીજી તરફ હરપાલપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પુષ્પક શર્માએ જણાવ્યું કે, પોલીસ ટીમે યોગ્ય સલાહ આપ્યા બાદ ટ્રેન રવાના કરી, ખજુરાહો અને છતરપુરમાં પણ લોકોએ ઉપદ્રવ કર્યો છે.
પ્રયાગરાજમાં સઘન સુરક્ષા વ્યવસ્થા
મહાકુંભને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ વહીવટીતંત્રે સમગ્ર પ્રયાગરાજમાં સઘન સુરક્ષા વ્યવસ્થા કરી છે. કુંભ નગરીમાં વિવિધ સ્થળોએ પોલીસ કર્મચારીઓની સાથે-સાથે વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને પણ તહેનાત કરવામાં આવ્યા છે.