શું ગંગામાં ડુબકી લગાવવાથી ગરીબી દૂર થઈ જશે? સંગમમાં ભાજપ નેતાઓની ડુબકી પર ખડગેનો કટાક્ષ

નવી દિલ્હી: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપના નેતાઓના મહાકુંભ સ્નાન અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે સવાલ કર્યો કે, ‘શું ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર થઈ જશે?’ તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર આરોપ લગાવતા કહ્યું કે, પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં કેમેરા સામે ડૂબકી લગાવવાની રેસ ચાલી રહી છે.

હું કોઈની આસ્થા પર સવાલ નથી ઉઠાવવા માગતો

મધ્યપ્રદેશના મહુમાં બોલતા ખડગેએ કહ્યું, ભાજપના નેતાઓ કેમેરા સામે જ્યાં સુધી સારા ન દેખાય ત્યાં સુધી ડુબકી લગાવતા રહે છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીના જૂઠા વચનોની જાળમાં ન ફસાતા. શું ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર થઈ જશે? શું તેનાથી તમારું પેટ ભરાય જાય છે? હું કોઈની આસ્થા પર સવાલ નથી ઉઠાવવા માગતો. જો કોઈને ખોટુ લાગે તો હું માફી માંગુ છું.

ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર નહીં થાય

તેમણે આગળ કહ્યું ‘ભાજપના નેતાઓમાં ગંગામાં ડૂબકી લગાવવાની રેસ ચાલી રહી છે. ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર નહીં થાય. હું કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવા નથી માંગતો. કોંગ્રેસ અધ્યક્ષે આગળ કહ્યું કે, ‘મને કહો, જ્યારે કોઈ બાળક ભૂખથી મરી રહ્યું હોય, શાળાએ ન જઈ રહ્યું હોય, કામદારોને તેમનો હપ્તો ન મળી રહ્યો હોય, ત્યારે આવા સમયે આ લોકો હજારો રૂપિયા ખર્ચીને રેસમાં ડૂબકી લગાવી રહ્યા છે.’ અને ટીવી પર સારું ન દેખાય ત્યાં સુધી તેઓ ડૂબકી મારતા રહે છે.

‘આવા લોકો દેશનું કંઈ ભલું ન કરી શકે. આપણી આસ્થા ભગવાનમાં છે. લોકો દરરોજ ઘરે પૂજા કરે છે, બધી સ્ત્રીઓ પૂજા કરીને ઘરની બહાર આવે છે, તેમાં કોઈ સમસ્યા નથી. પરંતુ અમને એ વાતથી વાંધો છે કે, ધર્મના નામે ગરીબોનું શોષણ થઈ રહ્યું છે.

ભાજપનો પલટવાર

ખડગેની આ ટિપ્પણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વચ્ચે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવ્યાના કલાકો પછી આવી છે. બીજી તરફ ભાજપે પણ ખડગેના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કહ્યું, ‘પહેલા તેમણે કહ્યું હતું કે જો અમે સત્તામાં આવીશું તો ‘સનાતન’નો નાશ કરી દઈશું.’ રાહુલ ગાંધી ઈટાલી જઈને ડુબકી લગાવી શકે છે અમને કોઈ વાંધો નથી. માતા ગંગા વિરુદ્ધ આવા શબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી. સનાતન ધર્મ વિરુદ્ધ આવા શબ્દો અને નિવેદનો નિંદનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!