અમદાવાદ: કચ્છના મુન્દ્રા પોર્ટ પર ચીનથી આવેલા ફેબ્રિક્સના 100 કન્ટેનરો સીલ કરી દેવામાં આવ્યા છે. લગભગ 200 કરોડ રૂપિયાની કરચોરીની આશંકાથી સીલ કરી દેવાયાં છે. આ કન્ટેનરોમાં સસ્તું કાપડ હોવાનું દર્શાવીને મોંઘા ભાવનું કાપડ લવાયું હોવાની શંકાથી DRIએ આ કન્ટેનરો અટકાવીને તપાસ હાથ ધરી છે. ડયુટીની વસુલાત કરવામાં આવે નહીં ત્યાં સુધી કન્ટેનરોને ક્લિયરન્સ નહીં મળશે.
200 કરોડનું ફેબ્રિક્સ
આ કન્ટેનરોમાં અંદાજે 200 કરોડનું ફેબ્રિક્સ હોવાનું પ્રાથમિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે અને જેની કાગળ પર કિંમત માંડ 25 કરોડ રૂપિયાની આસપાસ દર્શાવાઈ છે. આ જ પ્રકારના ચાઈનીઝ કાપડ ધરાવતાં કન્ટેનરો મુંબઈના નાવા શેવા પોર્ટ પર પણ અટકાવી દેવામાં આવ્યા હોવાનું ડીઆરઆઈનાં સૂત્રોએ જણાવ્યું છે.
ચીનમાંથી ખરીદેલા ફેબ્રિક્સની કિંમત સીધી ડબલ થઈ જાય
ચીનથી ફેબ્રિક્સની આયાત કરવામાં આવે તો તેના પર 90 ટકા એન્ટિ ડમ્પિંગ ડયુટી લગાવાય છે તેથી ચીનમાંથી ખરીદેલા ફેબ્રિક્સની કિંમત સીધી ડબલ થઈ જાય છે. જો કે એ છતાં ભારતના કાપડની સરખામણીમાં ચીનનું કાપડ બહુ સસ્તું પડે છે. ભારતની અંદર એક મીટરનું કાપડ રૂ.100માં બનાવવામાં આવે છે. આ જ પ્રકારનું ફેબ્રિક્સ ચીનમાં રૂ. 10માં બનાવીને ભારતમાં સપ્લાય કરે છે જેના કારણે કેન્દ્ર સરકારે ચીનથી જે ફેબ્રિક્સની આયાત કરવામાં આવે તેના ઉપર 90 ટકા એન્ટી ડમ્પિંગ ડયુટી લાદી દીધી છે. એન્ટિ ડમ્પિંગ ડયુટીથી બચવા સસ્તું ફેબ્રિક્સ બતાવીને હાઈ ક્વોલિટીના કાપડોની આયાત કરવામાં આવે છે.
DRIને માહિતી મળતા કન્ટેનરો અટકાવ્યા
હાલ ચીનથી આવતા અંડર ગારમેન્ટ પર રૂ. 50 ફિક્સ રેટથી એન્ટિ ડમ્પિંગ ડયુટી વસૂલ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારનું જેકેટ આવે તો તેના ઉપર 1000 રૂપિયા એન્ટિ ડમ્પિંગ ડયુટી ભરવાનું નક્કી કરાયું છે. શર્ટ મંગાવવામાં આવે તો તેના ઉપર પાંચ ટકા ડયુટી ભરવી પડે છે એટલે આયાતકારો શર્ટ બતાવીને જેકેટ અને જેકેટની સાથે અંડર ગારમેન્ટ છુપાવીને ડયુટી ચોરી કરી રહ્યા છે જેની માહિતી DRIને મળતા મુન્દ્રા પોર્ટ ઉપર ચીનથી આવેલા 100 કન્ટેનરો રોકીને કોણ-કોણ આયાતકારો છે અને દેશભરમાં આ મટીરીયલ કોને કોને પહોંચાડવાનું હતું તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.