અમદાવાદ: ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર BZ કૌભાંડમાં દિવસેને-દિવસે નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં તપાસનો રેલો હવે મુખ્ય એજન્ટો સુધી પહોંચ્યો છે. ત્યારે હવે BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં CID ક્રાઈમે ચાલુ શાળામાંથી મોડાસાના શિક્ષક એજન્ટ વિનોદ પટેલની ધરપકડ કરી લીધી છે.
70 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને 1 કરોડથી વધુનું કમિશન મેળવ્યું
આ કેસમાં CID ક્રાઈમ મેઘરજના ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી. પટેલને તપાસ માટે શાળામાંથી ઉઠાવીને ગાંધીનગર પૂછપરછ માટે લઈ ગઈ હતી. આ એજન્ટ શિક્ષકે આ કૌભાંડમાં 1300 લોકો પાસે 70 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને 1 કરોડથી વધુનું કમિશન મેળવ્યું હતું. હવે પોલીસે આ એજન્ટ શિક્ષકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શિક્ષક એજન્ટે પૂછપરછમાં આ કૌભાંડમાં 1300 લોકો પાસેથી 70 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને 1 કરોડ રૂપિયાથી વધુનું કમિશન મેળવ્યું હોવાની કબૂલાત કરી છે.
એજન્ટ શિક્ષકે લાખોની સંપત્તિ વસાવી
BZ ગ્રુપમાં મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થયા બાદ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલ તમામ મુખ્ય એજન્ટો પર તવાઈ ચાલી રહી છે. સૂત્રો દ્વારા એ પણ માહિતી સામે આવી છે કે અરવલ્લી જિલ્લામાં શિક્ષક વી.ડી પટેલ BZ ગ્રુપના એજન્ટ તરીકે કામ કરતો હતો. BZ ગ્રુપમાંથી તગડું વળતર કમાઈને એજન્ટ શિક્ષક વી.ડી પટેલે લાખોની સંપત્તિ વસાવી હોવાનું અને મોંઘીડાટ મર્સીડીઝ ગાડી પણ ખરીદી હોવાના સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા હતા.