ફી માટે વિદ્યાર્થીઓને ત્રાસ આપતી સ્કૂલો સામે લાલ આંખ, સુરતની ઘટના બાદ અમદાવાદ શહેર DEOએ જાહેર કર્યો પરિપત્ર

અમદાવાદ: સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાત બાદ હવે અમદાવાદનું તંત્ર પણ સફાળુ જાગ્યું છે. અમદાવાદ શહેર DEOએ પરિપત્ર જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, ફી ને લઇ બાળકોને ખોટી રીતે ત્રાસ આપતી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ ન આપવા પણ સૂચના અપાઈ છે. તેમજ વધુમાં કહ્યું છે કે, માનસિક કે શારીરિક ત્રાસ આપવા બદલ શાળા સામે RTE મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત શાળાઓ સામે FIRથઈ શકે છે.જો હવે કોઈ વ્યક્તિ આ જોગવાઈનું ઉલ્લંઘન કરાશે કે ફરિયાદ મળશે અને તેમાં તથ્ય જણાશે તો તેની સામે શિસ્તભંગના નિયમ મુબજ કાર્યવાહી કરવામાં આવશે.

DEOએ પરિપત્ર જાહેર કર્યો

આ અંગે અમદાવાદ શહેર DEOએ એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું કે, સ્કૂલમાં બાળકોના સર્વાગી વિકાસ માટે કામ થતું હોય છે. આવા ઉમદા કામમાં ભાગીદાર થવાનું દરેક સ્કૂલનું ધ્યેય હોવું જોઈએ. શિક્ષકો દ્વારા બાળકનું સારા વાતાવરણમાં શિક્ષણ કાર્ય થાય તે ખૂબ જ જરૂરી છે. કેટલીક સ્કૂલો વિદ્યાર્થીની ફી બાકી હોય તો વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા નથી દેતી, હોલ ટિકિટ નથી આપતી, રિઝલ્ટ નથી આપતી વગેરે. આ ઉપરાંત સ્કૂલો ફી ભરવા બાબતે વિદ્યાર્થીઓને વારંવાર રજૂઆત કરે છે, જેથી તેમના કુમળા માનસ પર ગંભીર અસર થાય છે. હવે તમામ સ્કૂલે બાકી ફી અંગે વાલીઓ સમક્ષ જ રજૂઆત કરવાની રહેશે.

બાળકોના માનસ પર વિપરિત અસર પડે

આ પરિપત્રમાં આગળ કહ્યું છે કે, તમામ સ્કૂલો શિક્ષકોને આ પરિપત્રનો અભ્યાસ કરાવે અને જરૂરી સૂચનો કરે. સ્કૂલોમાં આવી કોઈ ઘટના ન ઘટે તે માટે તમામ શિક્ષકોને જાણ પણ કરવામાં આવે. બાળકો માટે સ્કૂલ અને શિક્ષક એક આદર્શ હોય છે અને તેઓ જ આવું વર્તન કરે, તો બાળકોના માનસ પર તેની વિપરિત અસર પડે છે. આવી સ્થિતિમાં બાળક માનસિક રોગના ભોગ પણ બની શકે છે. જો કોઈપણ સ્કૂલ, શિક્ષક કે વ્યક્તિ દ્વારા આ જોગવાઈનું ઉલ્લંઘન થતું હોવાની ખબર પડશે અથવા તે અંગે કોઈ ફરિયાદ મળશે અને તેમાં તથ્ય જણાશે તો તેમની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.

સુરતમાં વિદ્યાર્થીનીનો આપઘાત

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ મંગળવારે આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. મૃતક વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તારમાં રહેતી હતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, ફી નહીં ભરવાના કારણે વિદ્યાર્થિનીને બે દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી. વિદ્યાર્થિની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી, ફી માટે દબાણ કરતા રહ્યા. આખરે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!