ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયા જાહેર, શુભમન ગિલને મળી મોટી જવાબદારી

નવી દિલ્હી: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટરે પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ઉતરશે. રોહિત ટીમનો કેપ્ટન રહેશે, શુભમન ગિલને ટીમનો વાઈસ-કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામેની મેચથી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત કરશે.

સિરાજનું પત્તું કપાયું

ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત અગરકરે ટીમની જાહેરાત કરી છે, પરંતુ મોહમ્મદ સિરાજને ટીમમાં સ્થાન ન મળવું એ ચોંકાવનારી બાબત છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરનાર નીતિશ કુમાર રેડ્ડીને ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યો. વિજય હજારે ટ્રોફીમાં 8 મેચમાં 752 રન બનાવનાર કરુણ નાયરને પણ વાપસીની તક ન આપી. અજિત અગરકરે એમ પણ કહ્યું કે, જસપ્રીત બુમરાહ હજુ સંપૂર્ણ ફિટ નથી તેથી ઈગ્લેન્ડ સામેની 3 મેચની વનડે સીરિઝમાં તેના સ્થાને હર્ષિત રાણાને તક આપવામાં આવી રહી છે.

યશસ્વી જયસ્વાલને પહેલીવાર ટીમ ઈન્ડિયાની વન-ડે સ્કવૉડમાં સામેલ કરાયો છે. ઝડપી બોલર મોહમ્મદ શમીએ પણ 14 મહિના બાદ વન ડે ટીમમાં વાપસી કરી છે. જ્યારે સ્પિનર કુલદીપ યાદવ પણ ઈજામુક્ત થતાં ટીમમાં વાપસી કરી રહ્યો છે.

19 ફેબ્રુઆરીથી શરૂ થશે ટૂર્નામેન્ટ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. આ વખતે ટૂર્નામેન્ટ ‘હાઈબ્રિડ મૉડલ’ હેઠળ પાકિસ્તાન અને દુબઇમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ યજમાન પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરાચીમાં રમાશે જ્યારે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે રમશે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત (વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!