અમદાવાદ: ઉત્તરાયના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે તહેવાર પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ ફુડ વિભાગ એક્શનમાં આવી ગયું છે. તહેવાર નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ ફુડ વિભાગ દ્વારા ફૂડ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉત્તરાયણના પર્વ પર લોકો ઊંધિયું, જલેબી, ફાફડા, ગાંઠિયા આરોગતા હોય છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટેની કામગીરી હાથ ધરાઈ છે.
શંકાસ્પદ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલાયા
AMC ફુડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ખાદ્યપદાર્થના વિક્રેતાઓને ત્યાંથી ઉંધીયા ઉપરાંત જલેબી,ચીકી સહીતના ખાદ્યપદાર્થના શંકાસ્પદ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલાયા છે. બાપુનગરમાં ચંદ્ર ખમણના એકમને એકના એક તેલમાં તળવાને લઈને ફુડ વિભાગે સીલ કર્યુ છે.
AMC ફુડ વિભાગે ઓર્ગેનિક ફુડના 122, મલાઈ,પેંડા,જલેબીના 18 ઉપરાંત ઉંધીયાના ચાર સેમ્પલ લેવામાં આવ્યા છે.નમકીન,ફાફડાના 6 તેમજ ચિકકી,તલના લાડુ, મેથીના લાડુના પાંચ શંકાસ્પદ સેમ્પલ લીધા છે. વસ્ત્રાલ રીંગ રોડ પાસે આવેલા ધ ફયુઝન પીત્ઝાના એકમની તપાસ સમયે બિન આરોગ્યપ્રદ સ્થિતિ જોવા મળતા આ એકમને ફુડ વિભાગે સીલ કર્યુ છે. બાપુનગરમા આવેલા ચંદ્ર ખમણના એકમની શુક્રવારે કરવામા આવેલી તપાસમાં તેલમાં ટોટલ પોલાર કમ્પાઉન્ડ નિયત માત્રા કરતા વધુ મળી આવતા તથા બિન આરોગ્યપ્રદ સ્થિતિ જોવા મળતા આ એકમને ફુડ વિભાગ દ્વારા સીલ કરવામા આવ્યુ છે.