ભરૂચ: રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયામાંથી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક નરાધમે શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકીને પીંખી નાખી હતી. આ નરાધમે બાળકીના પ્રાઈવેટ પાર્ટ અને શરીર પર ઈજાઓ પહોંચાડી છે. હવસખોરે દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને ઝાડીમાં ફેંકી દીધી હતી. બાળકી હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને ઝાડીમાં ફેંકી દીધી
ઝઘડિયા નજીકના એક ગામમાં રહેતો પરપ્રાતિય શ્રમિક પરિવાર ઝઘડિયા GIDCમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 10 વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાંથી લોહીથી લથપથ હાલતમાં મળી આવી હતી. બાળકીને આવી હાલતમાં જોઈને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે પહેલા અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, ત્યારબાદ ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અને પછી વડોદરા ખસેડવામાં આવી છે.
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો
આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો હોસ્પિટલ ધસી આવ્યો હતો. આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે દુષ્કર્મ આચર્યાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. હવસખોર આરોપી બીજું કોઇ નહી પરંતુ પાડોસી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે તેને ઝડપી પાડી કડક પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે તેના વિરૂદ્ધ અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.