રતલામ: મધ્યપ્રદેશના રતલામમાં ગઈકાલે રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટના પીએનટી કોલોનીમાં બની હતી, જ્યાં ચાર્જિંગ દરમિયાન ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો હતો જેના કારણે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 111 વર્ષની બાળકી જે ગુજરાતથી પોતાના મામાના ઘરે આવી હતી તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ પરિવારના અન્ય બે સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને મેડિકલ કોલેજમાં સારવાર આપવામાં આવી રહી છે.
ઈલેક્ટ્રિક સ્કૂટરને ચાર્જિંગ પર લગાવીને પરિવારના સભ્યો રાત્રે સૂઈ ગયા હતા
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈલેક્ટ્રિક સ્કૂટરને ચાર્જિંગ પર લગાવીને પરિવારના સભ્યો રાત્રે સૂઈ રહ્યા હતા. રાત્રે 3:00 વાગ્યા આસપાસ સ્કૂટર ચાર્જ થઈ ગયા બાદ તેમાં બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી ગઈ હતી, આ આગના કારણે બાજુમાં પડેલી એક્ટિવા પણ આગની લપેટમાં આવી ગઈ હતી. ધુમાડો થવાથી બાળકીની ઊંઘ ખુલી તો તેણે મદદ માટે બૂમ પાડી. ત્યારબાદ પરિવારના સભ્યો પણ મદદ માટે બૂમો પાડવા લાગ્યા.
ઘાયલોને સારવાર માટે ખસેડાયા
દુર્ઘટના બાદ તરત જ આસપાસના લોકોએ આગ ઓલવવાનું શરૂ કર્યું હતું અને પરિવારના સભ્યોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી અને પરિવારના સભ્યોને બહાર કાઢ્યા. ફાયર બ્રિગેડ અને પોલીસે ઘરની અંદરથી એક વૃદ્ધ મહિલા અને બે છોકરીઓને બચાવી અને હોસ્પિટલ લઈ ગયા હતા.
11 વર્ષની બાળકીનું મોત
જો કે 11 વર્ષની બાળકી અંદર ફસાઈ ગઈ હતી, તેને ઘણી મહેનત બાદ બહાર કાઢવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં 11 વર્ષની બાળકી આગમાં સળગી ગઈ હતી. ઘાયલોને સારવાર માટે રતલામ મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ મોકલી દીધો છે.