અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલી ખ્યાતિ હોસ્પિટલ કાંડની ઘટના બાદ ફરાર આરોપી ડો. સંજય પટોળિયાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. આ કેસના આરોપી એવા ડો. સંજય પટોળિયાની 4 ડિસેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને 7 દિવસના રિમાન્ડ પર છે. સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર મુખ્ય આરોપી પૈકી એક ડો. સંજય પાટોળિયાએ 22 દિવસ સુધી પોલીસ સાથે સંતાકૂકડી રમી હતી. 22 દિવસ સુધી પોલીક પકડથી દૂર રહ્યો હતો. જોકે, આટલો દિવસ શું કર્યું અને કેવી રીતે પકડાયો એ અંગે આખો ઘટના ક્રમ જાણીએ.
ખ્યાતિ હોસ્પિટલમાં 12 નવેમ્બર, 2024ના રોજ બે દર્દીનાં મોત થયાં બાદ હોબાળો થયો ત્યારે ડો. પટોળિયા રાજકોટમાં જ તેની હોસ્પિટલ પર હતો, પરંતુ ફરિયાદ નોંધાતાં જ તે ભૂગર્ભમાં જતો રહ્યો હતો. જોકે ત્યાર બાદ પોલીસથી બચવા માટે એક બેરિયાટ્રિક સર્જરીના 2.50 લાખ લેતો ડો.પટોળિયા રસ્તા પરની હોટલમાં રહીને છુપાતો ફરતો હતો. જોકે ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચની જાળમાં શિકાર સામેથી જ આવ્યો એવો ઘાટ થયો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જ્યારે ડો.પટોળિયાની વધુ પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે તેને કોઈએ એવી સલાહ આપી હતી કે તું રસ્તા પર ફરતો રહીશ તો પોલીસ તને પકડી શકશે નહીં, જેથી તે સંબંધીની સલાહ માનીને હાઇવે પર ફરતો રહેતો હતો અને કોઈને શંકા ન પડે એ માટે સસ્તી હોટલમાં રોકાતો હતો.
આ ઉપરાંત તેને કોઈએ એવું કહ્યું કે જો તું ફોન વાપરીશ તો પકડાઈ જઈશ. તો તેણે પોતાના જૂના ફોન અને સિમકાર્ડ બંધ કરી દીધા અને તેણે દુબઈની ચેટિંગ એપનો ઉપયોગ કરીને લોકો સાથે વાતચીત કરતો રહેતો હતો. એપ્લિકેશનના ઉપયોગની સાથે સાથે તે જ્યારે હાઇવે પર ફરતો હતો ત્યારે તેની પત્ની સાથે હતી એવું જાણવા મળ્યું હતું. ડો. પટોળિયા પકડાયો ત્યારે તેની ગાડીમાં તેની પત્ની પણ હતી.
આ સમગ્ર ઓપરેશન દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ડો. પટોળિયાના એક સ્વજનની કડી મળી, જેના પર કેટલાક શંકાસ્પદ કોલ આવ્યા હતા, એ કોલને ટ્રેક કરતાં બીજી એક મહત્ત્વની કડી મળી અને એ નંબર રાજકોટથી અમદાવાદ તરફ આવતો હોય એવું જાણવા મળી રહ્યું હતું.
પોલીસે પટોળિયાની પત્નીનો નંબર પણ તપાસ કરતાં આ બે નંબર સાથે હોવાનું ખબર પડી હતી અને એક સમયે નક્કી થઈ ગયું હતું કે આમાં કદાચ પટોળિયા છે, પરંતુ જ્યાં સુધી ખરાઈ ન થાય ત્યાં સુધી કોઈપણ રિસ્ક લેવા ક્રાઈમ બ્રાન્ચ તૈયાર ન હતી. જ્યારે ફોર્ચ્યુનર કાર ગોતા નજીક પહોંચી ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેને રોકી અને તપાસ કરતાં ડો. પટોળિયા અંદર જ હતો.