પોરબંદર: પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ઘટી છે. એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થઈ જતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે. કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયુ હોવાની માહિતી મળી રહી છે. પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થતા અફરાતફરીનો માહોલ છવાયો છે. નોંધનીય છે કે, બે મહિના પહેલા પણ સમુદ્રમાં એક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું.
ભારતીય કોસ્ટ ગાર્ડ અધિકારીઓએ માહિતી આપી છે કે, ભારતીય કોસ્ટ ગાર્ડ ALH ધ્રુવ આજે ગુજરાતના પોરબંદરમાં નિયમિત તાલીમ દરમિયાન ક્રેશ થયું છે.
પોરબંદરના કોસ્ટગાર્ડ એર એન્કલેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટર ક્રેશ થતા વિસ્ફોટ થયો હતો. હેલિકોપ્ટરમાં બે પાયલોટ અને એક ક્રુમેમ્બર સવાર હતા. હેલિકોપ્ટરમાં કોઇ ટેકનિકલ ખામી સર્જાતા આ દુર્ઘટના ઘટી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય લોકોના મોત થઈ ગયા છે.
તમને જણાવી દઈએ કે, ત્રીજી સપ્ટેમ્બર 2024ના રોજ પોરબંદર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં કોસ્ટગાર્ડના 3 જવાન શહીદ થયા હતા.
FSLની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે જ ક્રેશ થયું હોવાની માહિતી મળી છે. એરપોર્ટની અંદર એજન્સીઓ ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ સળગી ગયું હતું.