સુરત: અમરેલીની પાટીદાર દીકરી મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ સુરતમાં જાહેર મંચ પર પોતાને જ પટ્ટા માર્યા હતા. આ દરમિયાન આપ નેતા ખૂબ જ આક્રમક જોવા મળ્યા હતા. પોલીસે દીકરીને પટ્ટા માર્યા હોવાથી ગોપાલ ઈટાલિયાએ પણ પોતાની જાતે જ શરીર પર પટ્ટા માર્યા હતા. ગુજરાતના લોકોનો આત્મા જગાડવા માટે જનસભા સંબોધતી વખતે સ્ટેજ પરથી જ પોતાને પટ્ટા માર્યા હતા. ગુજરાતમાં બનતી અનેક ઘટનામાં ન્યાય ન અપાવી શક્યાનું જણાવી ગોપાલ ઈટાલિયાએ માફી માંગવા સાથે સ્ટેજ પર પોતાને પટ્ટા મારીને તમામને ચોંકાવી દીધા છે.
ગુજરાતનો આત્મા જાગવો જોઈએ
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, પોલીસે દીકરીને પટ્ટા માર્યા તો હું પોતાને પટ્ટા મારીશ. ગોપાલ ઈટાલિયાએ કહ્યું, ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. દીકરીને પોલીસે કેવી રીતે પટ્ટા મારી શકે તેમ કહી પોતાને જ પટ્ટા માર્યા હતા. તેમણે કહ્યું, ગુજરાતમાં દીકરીઓ પર અત્યાચારને સાંખી નહીં લેવાય. આમ 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ ફરી એક વાર અમરેલીની પાટીદાર યુવતિને અન્યાયના મુદ્દે સુરત ફરી એક વાર એપી સેન્ટર બનવા જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
અમરેલી લેટરકાંડની પીડિતા સાથે કોંગ્રેસ નેતાઓએ ઘરે જઈને મુલાકાત કરી હતી. આ દરમિયાન પીડિતાએ 3 દિવસ દરમિયાન પોલીસે તેની સાથે શું-શું કર્યું તેની આપવીતી જણાવી હતી. દીકરીએ જણાવ્યું કે, પોલીસે મને ડરાવી હતી અને પગમાં પટ્ટા માર્યા હતા. આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી પોતાની જાતને જ પટ્ટા મારીને કહ્યું, કે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. હું ગુજરાતની દીકરીને ન્યાય ન અપાવી શક્યો તેથી હું પોતાને જ સજા આપું છું. એમ કહી ગોપાલ ઈટાલિયાએ જાહેર મંચ પર પોતાને પટ્ટા માર્યા હતા.
અનેક ઘટનાઓ ગોપાલ ઈટાલિયા લડાઈ લડ્યા પરંતુ ન્યાય ન અપાવી શક્યા
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં, જસદણ બળાત્કાર, મોરબીકાંડ, અગ્નિકાંડ, સરઘસકાંડ, હરણી બોટકાંડ, પેપરલીક કાંડ જેવી અનેક ઘટનાઓ ગોપાલ ઈટાલિયા લડાઈ લડ્યા પરંતુ ન્યાય ન અપાવી શક્યા, ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે. ભાજપના નેતાઓ અનેક બળાત્કાર, તોડબાજી, જમીન માફિયા, બુટલેગરો, ડ્રગ્સ માફિયા, વ્યાજ માફિયાઓ, અપહરણ, દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ત્યારે કદાચ ગોપાલ ઈટાલિયા દ્વારા પોતાને જ માર મારવાના કારણે કદાચ જનતાનો આત્મા જાગશે તેવું જણાવ્યું હતું. ઈટાલિયાએ સ્ટેજ પરથી પોતાની જાતને પટ્ટા મારતા સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર મામલાની ઘટના એમ છે કે, તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો એક બોગસ લેટરપેડ સોશિયલ મીડિયા પર ફરતો થયો. આ બાબતે કાનપરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે ભાજપના એક પૂર્વ હોદ્દેદાર સહિત ચાર લોકોની ધરપકડ કરી. જો કે, વિવાદ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે પોલીસે આ કેસમાં સંડોવાયેલી અને ટાઈપિસ્ટ તરીકે કામ કરતી પાટીદાર યુવતીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, જેના કારણે ભારે ઉગ્ર વિરોધ થયો હતો.