બીજાપુર: નવા વર્ષની શરૂઆતમાં જ છત્તીસગઢમાં નક્સલીઓએ મોટી ઘટનાને અંજામ આપ્યો છે. છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો છે. બીજાપુર નક્સલીઓએ સોમવારે સૈનિકોના વાહનને નિશાન બનાવ્યું હતું. જેમાં 9 જવાનો શહીદ થઈ ગયા છે.
9 જવાનો શહીદ
નક્સલવાદીઓએ નક્સલ પ્રભાવિત કુટરુથી બેદરે રોડ પર કરકેલી નજીક જવાનોથી ભરેલા પીકઅપ વાહનને IED બ્લાસ્ટથી ઉડાવી દીધુ છે. એડીજી નક્સલ ઓપરેશન્સ વિવેકાનંદ સિન્હાએ આ હુમલામાં અત્યાર સુધીમાં 9 જવાનો શહીદ થયા હોવાની પુષ્ટિ કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે શહીદોની સંખ્યા વધી શકે છે. કેટલાક જવાનો ઘાયલ પણ થયા છે. બસ્તર આઈજીના જણાવ્યા પ્રમાણે હુમલામાં કુલ 10 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં 9 ડીઆરજી જવાન અને એક સિવિલિયન (પિકઅપ વાહનનો ડ્રાઈવર) સામેલ છે.
સૈનિકોને નિશાન બનાવવા માટે લેન્ડમાઈન બિછાવી હતી
નક્સલવાદીઓએ અહીં પહેલાથી જ લેન્ડમાઈન પાથરી રાખી હતી, સૈનિકોનું વાહન આ લેન્ડમાઈનની લપેટમાં આવતા જ નક્સલવાદીઓએ બ્લાસ્ટ કરી દીધો હતો, જેમાં 9 જવાનો શહીદ થયા અને પીકઅપ વાહનના ડ્રાઇવરનું પણ મોત થયું છે. પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે વાહનમાં 15થી વધુ સૈનિકો હતા જેઓ નક્સલ વિરોધી અભિયાનથી કેમ્પ પરત ફરી રહ્યા હતા. નક્સલવાદીઓએ પહેલા જ સૈનિકોને નિશાન બનાવવા માટે લેન્ડમાઈન બિછાવી હતી, જેના કારણે 9 જવાનો શહીદ થયા હતા.
સંયુક્ત ઓપરેશન બાદ સૈનિકો પરત ફરી રહ્યા હતા
દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરમાં સંયુક્ત ઓપરેશન બાદ સૈનિકો પરત ફરી રહ્યા હતા. બપોરે લગભગ 2:15 વાગ્યે બીજાપુરના કુટરુ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામ અમ્બેલી નજીક અજાણ્યા માઓવાદીઓએ સુરક્ષા દળોના વાહનને IED બ્લાસ્ટથી ઉડાવી દીધુ હતું. જેમાં દંતેવાડા DRGના 9 જવાનો શહીદ થઈ ગયા છે.
છત્તીસગઢ વિધાનસભા અધ્યક્ષ રમન સિંહે બીજાપુર IED બ્લાસ્ટ મુદ્દે નિવેદન આપ્યું છે કે, ‘જ્યારે-જ્યારે નક્સલીઓ વિરૂદ્ધ મોટા ઓપરેશન હાથ ધરાય છે, ત્યારે આ નક્સ્લીઓ આ પ્રકારની કાયરતાભર્યું અને પીઠ પાછળ હુમલો કરતાં હોય છે. નક્સલવાદ વિરૂદ્ધ છત્તીસગઢ સરકાર જે પગલાં ઉઠાવી રહ્યા છે. તેને હવે વધુ ઝડપી બનાવાશે. સરકાર ડરશે કે ઝુકશે નહીં. તેમની વિરૂદ્ધ આકરી કાર્યવાહી ચાલુ રાખશે.’