દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર: 5 ફેબ્રુઆરીએ મતદાન અને 8 ફેબ્રુઆરીએ પરિણામ આવશે

નવી દિલ્હી: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખનું એલાન કરી દીધું છે. દિલ્હીની તમામ 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ દિલ્હીમાં આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે.

જાણો આખો શેડ્યૂલ

ગેજેટ નોટિફિકેશન 10 જાન્યુઆરીએ જારી કરવામાં આવશે. 17 જાન્યુઆરી નોમિનેશનની છેલ્લી તારીખ હશે. 18 જાન્યુઆરીના રોજ નામાંકનની ચકાસણી કરવામાં આવશે. 20 જાન્યુઆરી સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે. 5મી ફેબ્રુઆરીએ તમામ બેઠકો પર એક સાથે મતદાન થશે અને ત્રણ દિવસ પછી એટલે કે 8મી ફેબ્રુઆરીએ તમામ બેઠકો પર મતગણતરી થશે અને પરિણામ જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પ્રક્રિયા પર ઉઠાવવામાં આવી રહેલા સવાલોનો આપ્યો જવાબ

ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મતદાર યાદીમાંથી ખોટી રીતે નામ ઉમેરવા અને હટાવી દેવાના આરોપો, ઈવીએમ પર ઉઠાવવામાં આવી રહેલા સવાલો અને મતદાનની ટકાવારી વધારવાના આરોપોનો એક પછી એક જવાબ આપ્યો અને કહ્યું કે ચૂંટણી સંપૂર્ણ નિષ્પક્ષ રીતે કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, 2020થી 2004ની વચ્ચે 21 રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી અને તેમાંથી 15 રાજ્યોમાં અલગ-અલગ પક્ષોની સરકાર બની હતી.

13 હજારથી વધુ બૂથ બનાવવામાં આવશે

13033 મતદાન મથકો બનાવવામાં આવશે. તમામનું વેબકાસ્ટિંગ કરવામાં આવશે. જેમાંથી 70 મહિલા મતદાન કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. દરેક બૂથ પર સરેરાશ 1191 વોટર્સ હશે. 85 વર્ષથી વધુ ઉંમરના લોકો ઘરે બેસીને મતદાન કરી શકે છે.

દિલ્હીમાં વોટર્સનું ગણિત

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, હવે દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો છે. જેમાં કુલ 83 લાખ 49 હજાર 645 પુરૂષ અને 71 લાખ 73 હજાર 952 મહિલા મતદારો છે. થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા 1261 છે.

ગત ચૂંટણીનું પરિણામ

2020માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સતત બીજી વખત જંગી બહુમતી મેળવી હતી. AAPએ 70માંથી 62 બેઠકો જીતી હતી. ભાજપ 8 બેઠકો જીતવામાં સફળ રહી હતી, જ્યારે કોંગ્રેસ સતત બીજી વખત શૂન્ય પર સમેટાઈ ગઈ હતી. AAPને લગભગ 54 ટકા વોટ શેર, બીજેપીને લગભગ 39 ટકા અને કોંગ્રેસને 5 ટકાથી ઓછા વોટ શેર મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!