નવી દિલ્હી: સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. એક્ટરને પુષ્પા 2ના સ્ક્રિનિંગ દરમિયાન થયેલા નાસભાગ કેસમાં રેગ્યુલર જામીન મળી ગયા છે. હૈદરાબાદની નામપલ્લી કોર્ટે ફિલ્મના પ્રીમિયર દરમિયાન નાસભાગને કારણે એક મહિલાના મૃત્યુના કેસમાં તેલુગુ સ્ટારને રેગ્યુલર જામીન આપી દીધા છે.
એક્ટર અને પોલીસના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ પહેલા આજે માટે ચુકાદો રિઝર્વ રાખ્યો હતો. અલ્લુ અર્જુનના વકીલ અશોક રેડ્ડીએ કહ્યું કે, કોર્ટે અભિનેતાને 50,000 રૂપિયાના બે જામીન જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટમાં સુનાવણીની આગામી તારીખ 21 જાન્યુઆરી છે.
એક્ટરને કેટલીક શરતો સાથે જામીન મળ્યા
મીડિયા સાથે વાત કરતા અલ્લુ અર્જુનના વકીલે કહ્યું કે એક્ટરને કેટલીક શરતો સાથે જામીન મળ્યા છે. તેણે રવિવારે તપાસ અધિકારી સમક્ષ હાજર થવું પડશે. આ ઘટનાના સંબંધમાં અભિનેતાની 13 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી અને તેલંગાણા હાઈકોર્ટમાંથી ચાર અઠવાડિયાના વચગાળાના જામીન મળ્યા બાદ 14 ડિસેમ્બરે તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન નાસભાગ
4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન અભિનેતાની ઝલક જોવા માટે ચાહકો દોડી આવતા નાસભાગ થઈ ગઈ હતી આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને તેનો આઠ વર્ષનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો.