બિહાર: મહાબોધિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, ISIનો પણ ઉલ્લેખ

બિહાર: બિહારના બોધગયામાં સ્થિત મહાબોધિ મંદિર ફરી એકવાર આતંકવાદીઓના નિશાના પર છે. દુબઈમાં છુપાયેલા ઝારખંડ રાજ્યના કુખ્યાત અપરાધી વિક્કીએ મહાબોધિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. બોધગયા મંદિર પ્રબંધન સમિતિને એક પત્ર દ્વારા આ ધમકી મળી છે. મહાબોધિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ બિહાર, ઝારખંડ અને દિલ્હી સહિત અન્ય રાજ્યોની પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. આ સાથે જ આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહાબોધિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઝારખંડ રાજ્યના ધનવાડ જિલ્લાના વાસેપુરના કુખ્યાત અપરાધી પ્રિન્સ ખાને આપી છે. બીજી તરફ ધમકી મળ્યા બાદ ગયા પોલીસની એક ટીમ ધનબાદ પહોંચી અને પ્રિન્સ ખાનના ઘરે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઝારખંડ રાજ્યનો કુખ્યાત અપરાધી પ્રિન્સ હાલમાં દુબઈમાં છુપાયો હોવાના અહેવાલ છે.
ધમકીભર્યા પત્રમાં પાકિસ્તાની એજન્સી ISIનો પણ ઉલ્લેખ
મહાબોધિ મંદિર પ્રશાસને જણાવ્યું કે, અમને એક પત્ર મળ્યો છે જેમાં મહાબોધિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકીભર્યા પત્રમાં પાકિસ્તાની એજન્સી ISIનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકીભર્યા પત્રમાં વાસેપુરના કુખ્યાત અપરાધી પ્રિન્સ ખાનનું નામ પણ સામેલ છે. મહાબોધિ મંદિરને ઉડાવી દેવાની ધમકીનો પત્ર મળ્યા બાદ ગયા પોલીસની એક ટીમ સબ ઈન્સ્પેક્ટર બ્રજેશ કુમારના નેતૃત્વમાં ઝારખંડ રાજ્યના ધનબાદ જિલ્લામાં પહોંચી હતી. આ દરમિયાન ઝારખંડ પોલીસે પણ બિહાર પોલીસને સાથ આપ્યો અને ટીમે વાસેપુર વિસ્તારમાં પ્રિન્સ ખાનના ઘરે દરોડા પાડ્યા હતા અને તલાસી કરી હતી. પોલીસની સાથે બોધગયા મંદિર પ્રશાસન પણ એ વાતની પુષ્ટિ નથી કરી શક્યું કે ધમકીભર્યો પત્ર કુખ્યાત અપરાધી પ્રિન્સ ખાને મોકલ્યો હતો કે પછી અન્ય કોઈએ તેના નામનો ઉપયોગ કર્યો છે. બિહાર પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને સંપૂર્ણ સાવચેતી રાખી રહી છે.
આતંકવાદીઓએ ગત વર્ષે મહાબોધિ મંદિરમાં બોમ્બની ધમકી આપીને સમગ્ર દેશને હચમચાવી મૂક્યો હતો
બીજી તરફ કુખ્યાત અપરાધી પ્રિન્સ ખાન ઝારખંડ રાજ્યના ધનબાદ અને બોકારો જિલ્લામાં વેપારીઓને ધમકી આપીને ખંડણી માગવાનું કામ કરતો હતો. તેના પર જમીનના વેપારીની હત્યાનો આરોપ છે. તે ઘણા કેસમાં વોન્ટેડ છે, ધનબાદ પોલીસ તેની તલાશ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દુબઈમાં રહેતા કુખ્યાત અપરાધી પ્રિન્સ ખાને બોધગયા મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. ત્યારબાદ હવે ધનબાદ પોલીસે પ્રિન્સ ખાન વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી છે. બીજી તરફ તેનો પાસપોર્ટ પણ રદ કરવામાં આવ્યો છે. આ અંગે ગયા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને બોધગયા મંદિર પ્રબંધન સમિતિના એક પણ સભ્ય કંઈપણ કહેવા માટે તૈયાર નથી. જો કે, લોકો તેને કેટલાક તોફાની તત્વો સાથે પણ જોડી રહ્યા છે. તે જાણીતું છે કે આતંકવાદીઓએ ગત વર્ષે મહાબોધિ મંદિરમાં બોમ્બની ધમકી આપીને સમગ્ર દેશને હચમચાવી મૂક્યો હતો. આવા કિસ્સાઓને જોતા બિહાર પોલીસે મહાબોધિ મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી દીધી છે. મામલાની સત્યતા ચકાસવા માટે દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!