લો બોલો…ભાજપે AMC માટે 4 વર્ષમાં ફાળવેલા 7266 કરોડ વાપર્યા જ નહીં

amc

વાર્ષિક આશરે 10 હજાર કરોડનું બજેટ ધરાવતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દર વર્ષે ફુલ ગુલાબી બજેટ રજૂ કરે છે પરંતુ તે પૈકીનું આશરે 20થી 25 ટકા જેટલું બજેટ વાપર્યા વગરનું જ પડ્યું રહે છે. આ અમે નથી કહેતા પરંતુ અમદાવાદ મનપાના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે,વર્ષોથી મનપામાં સત્તા પર બેઠેલી ભાજપ વિકાસની વાતો તો કરે છે પરંતુ કરેલા વાયદા પૂર્ણ નથી કરતી. છેલ્લા 4 વર્ષની વાત કરીએ તો AMCમાં કૂલ 34594 કરોડોનું અંદાજ પત્ર રજૂ કર્યું હતું પરંતુ તે પૈકી 7266 કરોડ વણ વાપર્યા રહ્યા.

ભાજપ દ્વારા દરેક વોર્ડમાં બે વ્હાઈટ ટોપિંગ રોડ દરેક વોર્ડમાં, મહિલા માટે યોગા સેન્ટર,સાબરમતી નદીની સફાઈ, વીએસ હોસ્પિટલનું નવીનીકરણ, લેજેસ્ટિક પાર્ક, 40 નવા તળાવ,દરેકને પીવાનું પાણી, સારા રસ્તા, ક્લીન સીટી અમદાવાદના વાયદાઓ કર્યા હતા, પરંતુ તે પૈકીના મોટા ભાગના કામો હજુ પૂર્ણ નથી થયા. તો આ તરફ અમદાવાદ મનપાના સ્પેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાતના વિકાસ કાર્યોની નામના દેશભરમાં થઈ રહી છે. કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન એક થાંભલો પણ કોંગ્રેસ નાખી નહોતું શક્યું. હાલમાં ખારીકટ કેનાલ, શારદા બેન હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, રિવરફ્રન્ટ ફેઝ 2 સહીતના સ્થાનોનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. અન્ય કેટલાક વિકાસ કાર્યો માટે વર્ક ઓર્ડર પણ આપી દેવાયાં છે. કોંગ્રેસ હંમેશાની માફક વિકાસ કાર્યોમાં રોડા નાખવાનું કામ કરી રહ્યું છે.ત્યારે નવું બજેટ રજૂ થાય તે પહેલા જ અમદાવાદ મનપામાં રાજકારણે ગરમી પકડી લીધી છે, પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે, આખરે જનતાને તો 7000 કરોડના વિકાસ કાર્યોના માત્ર વાયદા જ મળ્યા?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!