ગુજરાતમાં ‘ખ્યાતિકાંડ’ને પગલે આરોગ્ય યોજના અને આરોગ્ય તંત્રમાં કેવી લોલમલોલ ચાલે છે તે જાહેર થઇ ગયું હતુ. PMJAYમાં કરોડોના કૌભાંડ સામે આવ્યા છતાં ગુજરાતની માત્ર 5 જ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે જ્યારે મહારાષ્ટ્રની 479, મધ્ય પ્રદેશની 439 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ જોતા ફલિત થાય છે કે ગુજરાતને તેના પાડોશી રાજ્યોમાંથી શીખ લેવાની જરૂર છે.
નાણાકીય વર્ષ 2018-19થી વર્ષ 2024-25માં ગુજરાતની જે હોસ્પિટલમાંથી ગેરરીતિ બદલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સસ્પેન્ડ કરાવામાં આવી છે તેમાં ધર્માનંદ હોસ્પિટલ, નીલકંઠ હોસ્પિટલ, પરમ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, યશ હોસ્પિટલનો સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર 2018-19, 2019-20, 2020-21, 2021-22માં એકપણ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઇ નહોતી.
જ્યારે આ સમયગાળામાં મહારાષ્ટ્રની 479, મધ્ય પ્રદેશની 439, બિહારમાંથી 58, કર્ણાટકમાંથી 176, ઝારખંડમાંથી 184, આંધ્ર પ્રદેશમાંથી 246, ઉત્તર પ્રદેશમાંથી 419 જેટલી હોસ્પિટલ PMJAYની પેનલમાંથી હટાવવામાં આવી છે. ગુજરાતમાં PMJAYમાં ઘણા સમયથી ગેરરીતિ ચાલતી હશે પણ ખ્યાંતિકાંડ જેવી કમનસીબ ઘટનાથી સામે આવી છે તેવું હાલ લાગી રહ્યું છે.
આ બાબતથી બે જ શક્યતા સામે આવે છે. આ રાજ્યોની જ હોસ્પિટલોમાં PMJAYમાં ગેરરીતિ થતી હતી અને ગુજરાતની ખાનગી હોસ્પિટલો દૂધે ધોયેલી છે. બીજી શક્યતા એવી કે, ગુજરાતની હોસ્પિટલોમાં PMJAY મામલે ગેરરીતિ પુષ્કળ થાય છે પણ આરોગ્ય વિભાગ તેમને છાવરે છે. ખ્યાતિકાંડ બાદ બીજી શક્યતા પર ગુજરાતમાં સસ્પેન્ડ થયેલી હોસ્પિટલ ઓછી હોવાની સંભાવના વધી જાય છે. ખ્યાતિકાંડમાં જ એવી ગોઠવણ સામે આવી છે કે દર્દી દાખલ થાય તેની પાંચ મિનિટમાં જ આયુષ્યમાન યોજનાના કેટલાક અધિકારીઓ મંજૂરી આપી દેતા હતા.
કેન્દ્ર સરકારે ગુજરાતના આરોગ્ય પાછળ પાંચ વર્ષમાં 67,662 કરોડ ખર્ચ્યા છે. 2018-19થી 2024-25 દરમિયાન ગુજરાતમાં આયુષ્યમાન યોજના હેઠળ ગુજરાતની 2675 હોસ્પિટલ જોડાઇ છે. આમ, વગ અને ગજવામાં વજન હોય તો આયુષ્યમાન યોજના હેઠળ જોડાવવામાં મંજૂરી તુરંત જ મળી જાય તેવી પણ ચર્ચાએ વેગ પકડ્યો છે.
પોલીસ વિભાગ તેના જૂના અને જાણીતા અંદાજ પ્રમાણે આરોપીને પકડવાથી માંડીને ચાર્જશીટથી દાખલ કરવામાં અત્યંત ઢીલાશ દાખવી રહ્યું છે.