સુરતમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય એવું લાગી રહ્યું છે. સુરત શહેરમાં ફિલ્મી સ્ટાઈલમાં બેંકમાં લૂંટની ઘટના બની હતી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા શાખામાં ધોળા દિવસે લૂંટાલુઓ ત્રાટક્યા હતા અને બંધૂકની અણીએ બેંક કર્મચારીઓને બંધક બનાવી આશરે 50 લાખ રૂપિયાની રોકડ લૂંટી લીધ્યા હતા. બેંકમાં ચાલતી કેશ ડિપોઝિટની કામગીરીના સમયે જ લૂંટારૂઓ ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા.
સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને CCTVના આધારે આરોપીઓને પકડવા માટે સમગ્ર શહેરમાં નાકાબંધી કરી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
DCP આલોક કુમારે SBI બેંકની લૂંટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)માં 5થી 6 જેટલા લૂંટારૂઓએ બેંકમાં પ્રવેશ કર્યો હતો. લૂંટારૂઓએ બેંકમાં હાજર કેશિયર અને અન્ય સ્ટાફને પિસ્તોલ (વેપન) બતાવીને બંધક બનાવી દીધા હતા.
લૂંટારૂઓએ બેંકમાં ચાલતી કેશ ડિપોઝિટની કામગીરી (CMS ગાડી દ્વારા) નો લાભ લઈને આ લૂંટ કરી છે. સ્ટાફના મોબાઈલ ફોન પણ લૂંટારૂઓએ છીનવી લીધા હતા, જેથી તેઓ પોલીસને સમયસર જાણ કરી શક્યા નહોતા. લૂંટારૂઓ ગયા બાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
આ ઘટના બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન-1 પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ છે. હાલ પોલીસ આરોપીઓ ક્યાંના છે અને તેઓએ આ ગુનો કેવી રીતે કર્યો તે અંગેની તપાસ કરી રહી છે.
લૂંટારૂઓના ચહેરા સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. એકાદ આરોપીનો ચહેરો કેમેરાના એન્ગલને કારણે સ્પષ્ટ ન હોઈ શકે, પરંતુ બાકીના આરોપીઓના ચહેરા આઈડેન્ટિફાય કરવામાં આવી રહ્યા છે.
લૂંટારૂઓએ બુરખો પહેર્યો હોવાની જે વાતો વહેતી થઈ હતી, તેનો ડીસીપીએ ઇનકાર કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, કોઈ બુરખો પહેર્યો નહોતો. અમે આરોપીઓને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી દીધી છે. પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે અને ખૂબ જ ઝડપથી આ કેસને ઉકેલી લેવામાં આવશે.