શ્રીલંકન નેવીના ફાયરિંગમાં 5 ભારતીય માછીમારો ઘાયલ, ભારતે કહ્યું-કોઈપણ સંજોગોમાં બળનો ઉપયોગ સ્વીકાર્ય નથી

નવી દિલ્હી: શ્રીલંકન નેવીએ મંગળવારે સવારે ડેલ્ફ્ટ ટાપુ નજીક 13 ભારતીય માછીમારોને પકડવા માટે ફાયરિંગ કર્યું હતું. જેમાં 5 ભારતીય માછીમારો ઘાયલ થયા હતા. ભારત સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને આ મામલે કડી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, શ્રીલંકન નેવી દ્વારા કરવામાં આવેલ ફાયરિંગની ઘટના પર ભારતે સખત વિરોધ નોંધાવ્યો છે.

બે માછીમારો ગંભીર રીતે ઘાયલ

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, માછીમારીની બોટમાં સવાર 13 માછીમારોમાંથી બે ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમની સારવાર જાફના ટીચિંગ હોસ્પિટલમાં ચાલી રહી છે. અન્ય ત્રણ માછીમારોને નાની-મોટી ઈજાઓ થઈ હતી અને તેમની સારવાર ચાલી રહી છે. જાફનામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓએ હોસ્પિટલમાં ઘાયલ માછીમારોની મુલાકાત કરી અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. માછીમારો અને તેમના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડી છે.

ભારતે આ ઘટના પર સખત વિરોધ નોંધાવ્યો

વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, નવી દિલ્હીમાં શ્રીલંકાના કાર્યકારી હાઈ કમિશનરને આજે સવારે વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા અને આ ઘટના પર સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોલંબોમાં અમારા હાઈ કમિશને પણ શ્રીલંકા સરકારના વિદેશ મંત્રાલય સમક્ષ આ મામલો ઉઠાવ્યો છે. ભારત સરકારે હંમેશા માછીમારોના સવાલોને માનવીય રીતે ઉકેલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જેમાં આજીવિકાની ચિંતાઓને ધ્યાનમાં લેવામાં આવી છે. કોઈપણ સંજોગોમાં બળનો ઉપયોગ સ્વીકાર્ય નથી. આ સંદર્ભમાં બંને સરકારો વચ્ચે હાલની સહમતિનું કડક પાલન કરવું જોઈએ.

આ પહેલીવાર નથી જ્યારે બંને દેશોના માછીમારો માછીમારી માટે અવારનવાર દેશની દરિયાઈ સરહદ પાર કરતા હોય છે. ભારતે હંમેશા આવા મામલાઓમાં બળના ઉપયોગનો વિરોધ કર્યો છે અને આ મુદ્દે હાલની સર્વસંમતિનું કડકપણે પાલન કરવાના પક્ષમાં રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!