ખેડા-અમદાવાદ હાઈવે પર 1 કરોડની લૂંટ, અમદાવાદના અનાજના વેપારીને ખંખેરી લૂંટારુઓ ફરાર

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સતત ચોરી અને લૂંટની ઘટના ઘટી રહી છે, ત્યારે ખેડા જિલ્લામાંથી ચકચારી લૂંટની ઘટના સામે આવી છે. ખેડા અમદાવાદ હાઈવે પર વડાલા પાટીયા નજીક બ્રિજ પર 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ છે. ઈકો કારમાં આવેલા ચાર શખસો અનાજના વેપારીની 1 કરોડ રૂપિયાની રકમ લૂંટીને ફરાર થઈ ગયા છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તપાસના ધમધમાટ વચ્ચે પોલીસે FSLની ટીમ બોલાવીને સ્થળ પર તપાસ આદરીને ગુનો દાખલ કર્યો છે.

લૂંટ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ

પ્રાપ્ત માહિતી પ્રમાણે વેપારી નડિયાદની એક બેન્કમાંથી 1 કરોડ રૂપિયા ઉપાડીને રિક્ષામાં અમદાવાદ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઈકોમાં આવેલા ઈસમોએ ખેડા-અમદાવાદ હાઈવે પર વેપારીને આંતર્યો હતો અને તેની પાસે રહેલા 1 કરોડ રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે વિવિધ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

રીક્ષામાંથી 1 કરોડનો થેલો ઉઠાવીને લુંટારુઓ ફરાર

અમદવાદના સુભાષબ્રિજ કેશવનગરમાં કંકુમાની ચાલીમાં 26 વર્ષના હસમુખ ડાબી રહે છે. તેઓ રિક્ષા ડ્રાઈવિંગ સાથે સંકળાયેલા છે. તેમની પોતાની રિક્ષા છે. હસમુખ ડાબી અને તેમના મિત્ર ગઈ કાલે અમદાવાદથી નડિયાદ આવ્યા હતા. હસમુખ ડાબીને ધંધાના રોકડા રૂપિયા નડિયાદથી લેવાના હતા. ત્યારબાદ તેઓ રોકડા 1 કરોડ રૂપિયા લઈને અમદાવાદ આવવા નીકળ્યા હતા. આ દરમિયાન સાંજના સમયે આ રીક્ષા ખેડા અમદાવાદ હાઇવે પર વડાલા પાટીયા બ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે ઇકો કાર પાછળથી આવી અને રીક્ષાને આંતરીને અટકાવી હતી. ત્યારબાદ ચાર લોકોએ કારમાંથી ઉતરી રીક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા વ્યક્તિઓ સાથે ગાળા ગાળી કરી હતી અને રિક્ષામાં મુકેલા રૂપિયા 1 કરોડ રોકડા ભરેલો થેલો ઉઠાવીને આ લૂંટારુઓની ટોળકી ફરાર થઈ ગઈ હતી. જોકે રીક્ષા ચાલકે અને અન્ય લોકોએ ઇકો કારનો નારોલ સર્કલ સુધી પીછો કર્યો હતો પરંતુ તે લોકો ફરાર થઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!